આણંદ
આણંદ જિલ્લામાં ૧૧૧-ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી તા.૨૩/૦૪/૨૦૨૬ના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણી પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને સુવ્યવસ્થિત વાતાવરણમાં યોજાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન અને ઉમરેઠ વિધાનસભા ચૂંટણી અધિકારીના નેજા હેઠળ તારીખ ૦૨/૦૪/૨૦૨૬ ના રોજ ડી.એમ.પટેલ કોલેજ, ઓડ ખાતે ચૂંટણી સ્ટાફ માટેની પ્રથમ તાલીમ યોજાઈ હતી.
આ તાલીમ કાર્યક્રમ બે તબક્કામાં યોજાયો હતો. જેમાં પ્રથમ સત્ર બપોરે ૧-૦૦ થી ૩-૦૦ કલાક દરમિયાન પ્રિસાઈડીંગ ઓફિસર (PR) માટે અને દ્વિતીય સત્ર બપોરે ૩-૦૦ થી ૫-૦૦ કલાક દરમિયાન ફર્સ્ટ પોલિંગ ઓફિસર (PO-1) માટે રાખવામાં આવ્યું હતું.
આ તાલીમમાં માસ્ટર ટ્રેનર અને ખંભાત પ્રાંત અધિકારી કુંજલ શાહ દ્વારા સ્ટાફને મતદાન મથકની વ્યવસ્થા, ઈવીએમ (EVM) અને વીવીપેટ (VVPAT) ના સંચાલન તેમજ ચૂંટણી પંચની માર્ગદર્શિકા અંગે વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ૧૧૧-ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટેની આ પ્રથમ તાલીમ કુલ ૩૩૭ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓએ લીધી હતી.
