Thursday, September 10News That Matters

જામનગર જિલ્લામાં ‘આપણી આંગણવાડી આપણી જવાબદારી’ થીમ સાથે ૯મા ‘રાષ્ટ્રીય પોષણ માહ’નો શુભારંભ

હિન્દ ટીવી – ગુજરાતી, જામનગર

    સમગ્ર રાજ્યની સાથે જામનગર જિલ્લામાં તા. ૦૯ સપ્ટેમ્બરથી તા. ૦૮ ઓક્ટોબર સુધી ૯મા ‘રાષ્ટ્રીય પોષણ માહ’ની ઉજવણી કરવામાં આવશે. જિલ્લામાં પોષણ સૂચકાંકોમાં સુધારો કરવા તથા પોષણ-કેન્દ્રિત સંવેદનશીલતા વધારવા માટે ‘આપણી આંગણવાડી આપણી જવાબદારી’ થીમ હેઠળ એક માસ સુધી વ્યાપક જન અભિયાન હાથ ધરવામાં આવશે. જેના સઘન અને સુચારૂ સંચાલન અર્થે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી સુ નિશાના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી.

આ બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા કક્ષાના ૯મા રાષ્ટ્રીય પોષણ માહનો વિધિવત શુભારંભ કરાવી વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ સાથે સંકલન સાધીને નક્કી કરેલી પ્રવૃત્તિઓની સક્રિયરીતે ઉજવણી કરવા પ્રોત્સાહક સૂચન આપ્યું હતું.

આ પોષણ માસ દરમિયાન આંગણવાડીઓમાં આહારની વિવિધતા અને પર્યાપ્ત પ્રોટીન પૂરું પાડવું, સામુદાયિક માલિકીપણું અને જવાબદારી કેળવવી, બાળપણના સર્વાંગી વિકાસ માટે યોગ્ય પોષણ તેમજ પ્રારંભિક ઉત્તેજન આપવું અને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત માતાના સ્વાસ્થ્ય માટે રોકડ સહાય સુનિશ્ચિત કરવા જેવા વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરાશે. આ ઉપરાંત, અભિયાન હેઠળ જિલ્લાભરમાં સ્વાસ્થ્ય મેળા, સ્વસ્થ અને વૈવિધ્યસભર રેસિપીનું પ્રદર્શન, આંગણવાડી ખાતે સાપ્તાહિક મેનુ રોટેશન, ગરમ રાંધેલા ભોજનનું નિદર્શન તેમજ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત ૧૦૦ ટકા નોંધણી ઝુંબેશ પણ ચલાવવામાં આવશે.

બેઠકના અંતે ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ‘પોષણ શપથ’ લેવામાં આવ્યા હતા.

આ બેઠકમાં પ્રોગ્રામ ઓફીસર ડો. નૂપુર પ્રસાદ, સીડીપીઓ, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર., સમાજ કલ્યાણ અધિકારી, મુખ્ય સેવિકાઓ સહિત સંબંધિત નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *