હિન્દ નટીવી – ગુજરાતી, વડોદરા
ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણને નુકસાન ન થાય અને પરંપરાગત માટીની મૂર્તિઓને પ્રોત્સાહન મળે તે હેતુથી ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ્ય ટેકનોલોજી સંસ્થા દ્વારા વડોદરામાં માટી મૂર્તિ મેળો-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં વિવિધ સ્થળોના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી પર્યાવરણમૈત્રી માટીની ગણેશ મૂર્તિઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
વડોદરાના સાયાજીગંજ ખાતે હોટલ સૂર્યા પેલેસની સામે આવેલા પારસી અગિયારી મેદાનમાં યોજાયેલા આ મેળામાં કુલ ૭૯ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. મેળામાં ખાસ કરીને વડોદરા સહિત ગ્રામ્ય વિસ્તારોની મહિલા કારીગરો દ્વારા તૈયાર કરાયેલી માટીની ગણેશ મૂર્તિઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. પરંપરાગત વસ્ત્રો, પથ્થર તથા અન્ય કુદરતી સામગ્રીથી મૂર્તિઓને કરવામાં આવતી સજાવટ તેમની વિશેષતા છે.
એક ગણેશ મૂર્તિ તૈયાર કરવામાં કારીગરોને અંદાજે બે દિવસનો સમય લાગે છે. મૂર્તિ નિર્માણની પરંપરાગત કળાને પ્રોત્સાહન આપવા તથા કારીગરોને રોજગારની તકો ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવે છે. કારીગરોને માટી ખરીદી માટે ૫૦ ટકા સબસિડી તેમજ મેળામાં નિઃશુલ્ક સ્ટોલની સુવિધા આપવામાં આવે છે. આ ઉપરાંત મેળા દરમિયાન કારીગરોને દૈનિક રૂ. ૧,૦૦૦ની સહાય, એટલે કે સાત દિવસ માટે કુલ રૂ. ૭,૦૦૦ સુધીની સહાય આપવામાં આવે છે.
મેળામાં વેચાણને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગત વર્ષે આશરે રૂ. ૫૦ લાખની માટીની મૂર્તિઓનું વેચાણ થયું હતું, જ્યારે ચાલુ મેળામાં ગઈકાલથી અત્યાર સુધીમાં આશરે રૂ. ૧.૮૦ લાખની મૂર્તિઓનું વેચાણ નોંધાયું છે.
માટી મૂર્તિ નિર્માણની કળા નવી પેઢી સુધી પહોંચે તે માટે સરકારી શાળાના બાળકો માટે લાઇવ ડેમોન્સ્ટ્રેશન પણ યોજવામાં આવે છે. અત્યાર સુધીમાં આશરે ૭,૫૦૦ બાળકોને માટીની મૂર્તિ બનાવવાની પ્રક્રિયાની જાણકારી અને પ્રત્યક્ષ નિદર્શન આપવામાં આવ્યું છે. આ પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં પર્યાવરણમૈત્રી ગણેશોત્સવ અંગે જાગૃતિ કેળવવા સાથે સ્થાનિક કારીગરી પ્રત્યે રસ પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
મેળામાં કારીગરોએ ગણેશ મૂર્તિની કિમતની શરૂઆત રૂ. ૩૫૧ થી રૂ. ૫,૦૦૦ સુધીની છે. આમ, માટીની ગણેશ મૂર્તિઓના પ્રચાર-પ્રસાર સાથે પરંપરાગત કારીગરીનું જતન, મહિલા કારીગરોને રોજગાર અને આર્થિક સશક્તિકરણ તેમજ પર્યાવરણ સંરક્ષણનો ત્રિવિધ ઉદ્દેશ આ મેળા દ્વારા સિદ્ધ થઈ રહ્યો છે.
