હિન્દ ટીવી – ગુજરાતી, મોરબી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવેલ UPSC-CSE 2024ની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવનારા ગુજરાતના 26 યુવાનોને અમદાવાદ સ્થિત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) ખાતે આયોજિત સમારોહમાં પુરસ્કાર અને પ્રશસ્તિપત્રથી સન્માનિત કર્યા હતા.
મુખ્યમંત્રીએ આ અવસરે ઉતીર્ણ થયેલ સૌ યુવાઓને અભિનંદન સહ શુભેચ્છા પાઠવવાની સાથે ટેકનોલોજીના ઉપયોગ તેમજ જનકલ્યાણ અને જનસુખાકારી માટે આયોજનબદ્ધ રીતે ઉત્તમ કામગીરી કરવા બાબતે માર્ગદર્શન આપ્યું હતું. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસ માટેના વિઝનનો સંદર્ભ આપી મુખ્યમંત્રીએ નીતિમત્તા સાથે જનસેવાના દાયિત્વને કારકિર્દીમાં મહત્ત્વ આપવાની પ્રેરણા આપી હતી તેમજ ‘વિકસિત ગુજરાત, વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં તેમનું વિશિષ્ટ યોગદાન મહત્ત્વપૂર્ણ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
