હિન્દ ટીવી – ગુજરાતી, ડાંગ
ભારત સરકાર દ્વારા વિકસિત ગુજરાત ૨૦૪૭ માટે ડાંગ જિલ્લાનો રોડ મેપ દર્શાવતી પુસ્તિકા ‘વિકસિત ડાંગ ૨૦૪૭’ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે તા. ૨ મે ના રોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મહાનુભાવો અને ડાંગ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં વિમોચન કરાયું હતું.
આ વેળા પુસ્તિકા તૈયાર કરનાર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આયોજન કચેરી સહિતના સહયોગીઓને શુભેચ્છા પાઠવતા આદિજાતિ, ગ્રામ વિકાસ, અને શ્રમ રોજગાર મંત્રીશ્રીએ, આ પુસ્તિકા ટીમ ડાંગની ભાવના સાથે સંકલન કરીને જિલ્લાના તમામ વિભાગો/કચેરીની હાલની સ્થિતિ, પડકારો અને ભવિષ્યના વિકસિત જિલ્લા તરફ જવાનું સુચારૂં આયોજન આ પુસ્તિકામાં સમાવવાનો પ્રયાસ કરાયો છે તેમ જણાવ્યું હતું.
ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલે, ડાંગ જિલ્લાના સર્વાંગી વિકાસ સાથે ભવિષ્યમાં આવનાર પડકારોની આગોતરી તૈયારીના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા અત્યારથી જ સૂચારૂં આયોજન કરી ૨૦૪૭ સુધીમાં દરેક વ્યક્તિને ‘વિકસિત દેશ અને વિકસિત રાજ્ય’ ની સાથે ડાંગ જિલ્લાના પ્રત્યેક પ્રજાજનો સુધી વિકાસના દરેક પાસાંના લાભો થકી સુખી અને સમૃધ્ધ બનાવવાનું આયોજન કરેલ છે તેમ જણાવ્યું હતું.
જિલ્લા સેવા સદન ખાતે આયોજિત જિલ્લા આયોજન મંડળની બેઠકમાં કરાયેલા આ પુસ્તકના વિમોચન પ્રસંગે, જિલ્લા પંચાયતના પ્રમુખ-વ-આયોજન મંડળના ઉપાધ્યક્ષ શ્રીમતી નિર્મળાબેન ગાઈન, ત્રણેય તાલુકા પંચાયતના પ્રમુખઓ સહિતના પદાધિકારીઓ, સમિતિ સભ્યો, આમંત્રિતો, જિલ્લા કલેકટર સુ શાલિની દુહાન, અધિક નિવાસી કલેકટર એસ.બી.તબિયાર, પ્રાયોજના વહીવટીદાર આનંદ પાટિલ, જિલ્લા આયોજન અધિકારી સુ સ્મિતાબેન પટેલ સંપાદકીય ટિમ, અને જિલ્લા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
