Sunday, February 15News That Matters

ગીર સોમનાથના મૂળ દ્વારકામાં મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત રસીકરણની કામગીરીને સો ટકા સફળતા

હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ

      મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત રાજ્યની સગર્ભાઓ તેમજ શૂન્યથી પાંચ વર્ષની વયના બાળકોને ગંભીર રોગો સામે સુરક્ષા આપતી રોગપ્રતિરોધક રસી આપવામાં આવે છે. જેના ભાગરૂપે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા રસીકરણ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રસીકરણ ઝુંબેશરૂપે કોડીનાર તાલુકામાં આરોગ્ય ટીમ દ્વારા રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ મૂળ દ્વારકા વિસ્તારમાં લોકો કેટલીક ગેરમાન્યતાઓ અને શિક્ષણના અભાવના કારણે સગર્ભા મહિલાઓ અને બાળકોને વેક્સિન અપાવવા ના પાડતા હતા. જેને આરોગ્યટીમે સમજાવી કૂશળતાપૂર્વક રસીકરણ કામગીરી કરેલ.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. અરુણ રૉય તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.પઢિયારના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર, ડીએસબીસીસી, સી.એચ.ઓ. તથા કોડીનારની એસ.બી.સી.સી.ટીમ દ્વારા લોકો સાથે રૂબરૂ બેઠક કરી રસીકરણના ફાયદા સમજાવવામાં આવ્યા હતા. આ પ્રયાસમાં પણાદરની ટીમ તથા ખાનગી ડોક્ટરોની મદદથી આશા બહેનો અને આશા ફેસેલિટર દ્વારા વાલીઓ અને સમાજના પટેલ-આગેવાન સાથે રાખી ઘરે ઘરે જઈ સમજાવ્યા હતા.

સગર્ભાઓને ધનુર અને ડિપ્થેરિયા જ્યારે બાળકોને થતાં ઓરી, રુબેલા, ઝેરી કમળો, બાળ ટી.બી, પોલીયો, ડીપ્થેરીયા, ઊટાંટિયું, ધનુર, હીબબેક્ટેરિયાથી થતાં (ન્યૂમોનિયા અને મગજના તાવ) જેવા રોગ, ન્યૂમોકોકલથી થતાં ન્યુમોનિયા,રોટા વાયરસથી થતા ઝાડા, ઓરી અને રુબેલા જેવા ૧૧ રોગો સામે આ રસીથી રક્ષણ મળે છે જેવા રસીકરણના લાભ વિશે માર્ગદર્શન અને જાણકારી મળતાં આ આખાય વિસ્તારમાં રસીકરણ કામગીરીને સો ટકા સફળતા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *