હિન્દ ટીવી – ગુજરાતી, સુરત
ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય દ્વારા લેવાયેલા એક ક્રાંતિકારી નિર્ણયથી સુરતને ‘ટેક્સટાઇલ એક્સપોર્ટ ફેસિલિટેશન સેન્ટર’ની ભેટ મળી છે. આ પગલું સુરતના કાપડ ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય બજારમાં નવી ઓળખ અપાવશે. કેન્દ્ર સરકારે દેશના છ મુખ્ય ટેક્સટાઇલ ક્લસ્ટરની પાયલોટ બેઝિસ પર પસંદગી કરી છે, જેમાં ગુજરાતમાંથી માત્ર સુરત સ્થાન પામ્યું છે. સુરત ખાસ કરીને ‘ટેકનિકલ ટેક્સટાઇલ્સ’ અને ‘મેન-મેડ ફાઇબર આર્ટિકલ્સ’ માટેનું હબ બનશે. સુરતનું કાપડ હવે સીધું જ વૈશ્વિક બજારોમાં પોતાની ઓળખ બનાવશે. એક છત નીચે સેન્ટર કાર્યરત થવાથી સુરતના અર્થતંત્રને નવી ગતિ મળશે અને લાખો લોકો માટે રોજગારીની નવી તકો ઉભરશે.
ટેક્સટાઇલ એક્સપોર્ટ ફેસિલિટેશન સેન્ટર બનશે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગની નવી ‘લાઈફલાઈન’ એમ જણાવતા ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અને ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશનના પ્રમુખ અશોકભાઈ જીરાવાલાએ કહ્યું હતું કે, ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે સુરતનું આ એક્સપોર્ટ સેન્ટર દેશના જીડીપીમાં સિંહફાળો આપશે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના ઇતિહાસનું સૌથી મોટું પગલું છે. વર્ષોથી સુરત દેશને કાપડ પૂરું પાડે છે, પણ હવે આ ફેસિલિટેશન સેન્ટર દ્વારા સુરત વિશ્વના નકશા પર ટેક્સટાઇલ હબ તરીકે ઉભરી આવશે. ડબલ વેગ સાથે ઉત્પાદન વધશે અને નિકાસ સરળ બનતા વેપારીઓને આંતરરાષ્ટ્રીય ભાવ મળી રહેશે. આ સેન્ટર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ‘ગેમ ચેન્જર’ સાબિત થશે અને ‘મેક ઈન ઈન્ડિયા’ અભિયાનને વેગ આપશે તેમજ ‘વોકલ ફોર લોકલ’ને સાચા અર્થમાં ગ્લોબલ બનાવવાનું પગલું છે.
