મેરી માટી મેરા દેશ’ – માટીને નમન વીરોને વંદન
હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ
ગીર સોમનાથમાં ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમની ઉજવણીનો ઉત્સાહપૂર્વક પ્રારંભ થયો છે ત્યારે ધારાસભ્ય ભગવાનભાઈ બારડની ઉપસ્થિતિમાં બાદલપરા ખાતે “માટીને નમન,વીરોને વંદન” થીમ અંતર્ગત ઉત્સાહપૂર્વક રાષ્ટ્રભક્તિના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય સહિત બાદલપરાના ગ્રામજનોએ શિલાફલકમનું અનાવરણ કરી અને દીપ પ્રગટાવી શહીદોને વંદન કર્યા હતા તેમજ પંચ પ્રણ પ્રતિજ્ઞા, વૃક્ષારોપણ, સેલ્ફી અપલોડ સહિતના કાર્યક્રમમાં ભાગ લઈ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડની ઉપસ્થિતિમાં શિલાફલકમના લોકાર્પણ સાથે બાદલપરાના ગ્રામજનોએ વીરોને અંજલી આપી તેમના બલિદાન તથા દેશસેવાને યાદ કર્યા હતા. આ સાથે જ અમૃતવાટીકામાં વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા અમૃતકળશમાં ગામની માટીને એકત્ર કરવામાં આવી હતી. આ ઉપરાંત ભારતીય આર્મીમાં ફરજ બજાવતા ગામના યુવા વિજયભાઈ હાજાભાઈ બારડના માતૃશ્રીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ.
આ તકે, ધારાસભ્ય ભગવાનભાઈ બારડે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવમાં ગ્રામ્યથી લઈ જિલ્લાકક્ષાએ આ રાષ્ટ્રભક્તિ ઉજાગર કરતા કાર્યક્રમમાં તમામ ગીર સોમનાથવાસીઓ સહભાગીતા નોંધાવે અને સેલ્ફી લઈ અપલોડ પણ કરે તેમજ આસપાસના અન્ય લોકોને પણ આ કાર્યક્રમમાં પોતાની સહભાગીદારી નોંધાવવા પ્રેરણા પૂરી પાડે એવી અપીલ કરી હતી.
રાષ્ટ્રની એકતા અને એકસૂત્રતાને મજબૂત કરવા માટે ગીર સોમનાથના બાદલપરા સહિત, દુદાણાં, બીજ, ધણેજ, ખત્રીવાડા વગેરે ગામમાં ગ્રામજનોએ પંચપ્રણ પ્રતિજ્ઞા સહિત સેલ્ફી લઇ માતૃભૂમિ માટે રોજરોજ સમયની દરેક ક્ષણ અને જીવનનો પ્રત્યેક કણ સમર્પિત કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા હતા તેમજ વસુધા વંદન, વૃક્ષારોપણ, ધ્વજવંદન સહિત કાર્યક્રમો યોજાયા હતાં અને ગ્રામ્યજનોએ શિલાફલકમ પાસે સેલ્ફી લઈ ઉત્સાહપૂર્વક ઉજવણીમાં સહભાગી થયા હતાં. આ તકે, તલાટીમંત્રીઓ, સરપંચઓ, ગામના આગેવાનો તેમજ આંગણવાડીના બહેનો સહિત સ્થાનીક લોકો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
