હિન્દ ટીવી – ગુજરાતી, કાલાવડ
ભારતભરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની અનેરી ઉજવણી થઈ રહી છે ત્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામે પણ ભક્તિભાવ અને ઉલ્લાસ સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીકૃષ્ણ જન્મોત્સવ સમિતિ-નિકાવા અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિકાવા ગામના હૃદય સમાન નંદીગ્રામ ચોક ખાતે સવારે ગ્રામજનો એકત્ર થયા હતા. ભગવાન શ્રીકૃષ્ણના ગુણગાન, રાસ અને જયઘોષના નારા સાથે શોભાયાત્રાએ ગામની મેઈન બજારમાં નગરચર્યા માટે પ્રસ્થાન કર્યું હતું.
શોભાયાત્રામાં અલગ-અલગ સુશોભિત વાહનોમાં ભગવાન શ્રીકૃષ્ણને બિરાજમાન કરી દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. રાસ મંડળના ભાઈઓ દ્વારા રાસની રમઝટ બોલાવવામાં આવી હતી, તો માર્ગમાં બહેનો દ્વારા ફૂલો અને અબીલ-ગુલાલથી ભગવાનનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઠેર-ઠેર સ્થાનિક સમિતિઓ દ્વારા શરબત અને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ રથયાત્રા રૂટ પર મટકી ફોડના કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું.
શોભાયાત્રા જ્યારે હાઈવે રોડ થઈને બસ સ્ટેન્ડ પહોંચી ત્યારે નિકાવા ભરવાડ સમાજના ભાઈઓ-બહેનો દ્વારા પરંપરાગત હુડા રાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
સમગ્ર રથયાત્રા દરમ્યાન “જય શ્રીકૃષ્ણ” ના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ શોભાયાત્રામાં નિકાવા ઉપરાંત આસપાસના ગામના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. અંતે નંદીગ્રામ ચોક ખાતે મટકી ફોડીને રથયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.
આમ, નિકાવા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા હર્ષોલ્લાસ સાથે ભગવાન દ્વારકાધીશની રથયાત્રાની ઉજવણી કરવામાં આવી હતી.
