Friday, September 4News That Matters

જામજોધપુર ખાતે આંગણવાડી કાર્યકરો માટે ‘સાયબર ક્રાઇમ અને ડિજિટલ સુરક્ષા’ અંગે જાગૃતિ તાલીમ યોજાઈ

હિન્દ ટીવી – ગુજરાતી, જામનગર

   ડિજિટલ યુગમાં સતત વધતા જતા ઓનલાઇન ફ્રોડ અને સાયબર ક્રાઇમ સામે રક્ષણ મેળવવા તેમજ ગ્રામીણ ક્ષેત્રે સુરક્ષાનું કવચ મજબૂત કરવાના આશયથી જામજોધપુર ખાતે તાલુકાની તમામ આંગણવાડી વર્કરો માટે ‘સાયબર ક્રાઇમ અને ડિજિટલ સુરક્ષા’ વિષયક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ICDS વિભાગ તેમજ સાયબર ક્રાઇમ પોલીસ વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહી તમામ કાર્યકરોને સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

તાલીમ દરમિયાન સાયબર નિષ્ણાતો દ્વારા દૈનિક ડિજિટલ વ્યવહારોમાં રાખવાની થતી સાવચેતીઓ અંગે માહિતી આપતાં જણાવાયું હતું કે, કોઈપણ અજાણી કે શંકાસ્પદ વ્યક્તિ સાથે બેંક ખાતાની વિગતો, એટીએમ કાર્ડ નંબર, પાસવર્ડ કે OTP ક્યારેય શેર ન કરવો જોઈએ. આ ઉપરાંત સોશિયલ મીડિયા કે મેસેજમાં આવતી અજાણી લિંક્સ, લોટરી લાગ્યાના મેસેજ કે નોકરીની લોભામણી જાહેરાતો પર ક્લિક કરવાથી બચવું તેમજ ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવા ડિજિટલ પ્લેટફોર્મ પર ‘ટુ-સ્ટેપ વેરિફિકેશન’ સક્રિય રાખી અંગત માહિતી અજાણ્યા લોકો સાથે શેર ન કરવા અનુરોધ કરાયો હતો. સાથોસાથ, જો કોઈ વ્યક્તિ સાયબર છેતરપિંડીનો ભોગ બને તો સમય બગાડ્યા વિના તુરંત જ રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવા અથવા cybercrime.gov.in પોર્ટલ પર ઓનલાઇન ફરિયાદ નોંધાવવા તાકીદ કરવામાં આવી હતી.

આંગણવાડી વર્કરો ગ્રામ્ય સ્તરે નાગરિકો સાથે સીધા સંપર્કમાં હોવાથી, તેઓ પોતે ડિજિટલ રીતે સુરક્ષિત બની ગામડાંના છેવાડાના પરિવારો અને ખાસ કરીને મહિલાઓ સુધી આ સાયબર જાગૃતિનો સંદેશ પહોંચાડે તેવું આહવાન અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં તાલુકાના આંગણવાડી વર્કરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *