હિન્દ ન્યુઝ, ગરબાડા
દાહોદ જિલ્લામાં બાળ આરોગ્ય ક્ષેત્રે એક પ્રેરણાદાયક સફળતા પ્રાપ્ત થઈ છે. જિલ્લા ICDS શાખા હેઠળના ગરબાડા તાલુકોના આંગણવાડી કેન્દ્રોમાંથી ગંભીર કુપોષણગ્રસ્ત બાળકીને યોગ્ય સારવાર અને પોષણ દ્વારા સુપોષિત બનાવવામાં સફળતા મળી છે.
CMTC ગરબાડા (Child Malnutrition Treatment Centre) ખાતે ગામ ભે (ગારી ફળિયા), PHC પાટિયા અને આંગણવાડી કેન્દ્ર ભે-2ની ૧૮ મહિનાની બાળકી રાઠોડ હિયાંશીબેનને ૧૩/૧૧/૨૦૨૫ના રોજ ગંભીર કુપોષણની સ્થિતિમાં દાખલ કરવામાં આવી હતી. દાખલ સમયે બાળકીનુ માત્ર ૭.૧૫૦ કિગ્રા વજન, ૭૪.૫ સેમી લંબાઈ, MUAC ૧૧.૭ સેમી અને Z-Score -૩ SD નોંધાવ્યું હતું, જે ગંભીર કુપોષણ (Severe Acute Malnutrition) દર્શાવતું હતું. હિમોગ્લોબિન ૮.૪ ગ્રામ/ડીએલ હતું, જે એનિમિયાની સ્થિતિ તરફ સંકેત આપતું હતું. તેનું લક્ષ્ય વજન ૮.૨૨૨ કિગ્રા નક્કી કરવામાં આવ્યું હતું.
CMTC ખાતે નિયમિત તબીબી દેખરેખ, સંતુલિત પૌષ્ટિક આહાર, જરૂરી દવાઓ તથા માતાને યોગ્ય પોષણ માર્ગદર્શન આપવામાં આવ્યું. બાળકને સમયસર અને યોગ્ય માત્રામાં આહાર આપવાની રીત વિશે માતાને સમજાવવામાં આવ્યું.
નિયમિત મોનિટરિંગ અને સંભાળના પરિણામે, ૨૯/૧૧/૨૦૨૫ના રોજ ડિસ્ચાર્જ સમયે હિયાંશીબેનનું વજન ૮.૪૦૦ કિગ્રા નોંધાયું. MUAC ૧૨.૩ સેમી અને Z-Score -૧ SD સુધી નોંધપાત્ર સુધારો થયો. આ રીતે બાળકી લક્ષ્ય વજનના ૧૫% થી વધુ સુધી પહોંચી અને ગંભીર કુપોષણમાંથી બહાર આવી સુપોષિત બની.
આ સફળતા સ્થાનિક આરોગ્ય વિભાગ, આંગણવાડી કાર્યકર્તાઓ, CMTC ટીમ અને માતા-પિતાની સંયુક્ત મહેનતનું ઉત્તમ પરિણામ છે. આ સિદ્ધિ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના પ્રયાસોથી શક્ય બની છે, અને હવે જિલ્લામાં અન્ય વિસ્તારો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે.
યોગ્ય માર્ગદર્શન, સમયસર સારવાર અને પરિવારના સહકારથી કુપોષણને હરાવી શકાય છે — આ ઘટના તેનો જીવંત દાખલો છે.
