હિન્દ ટીવી ગુજરાતી, ભાવનગર
શિક્ષણ અને આત્મનિર્ભરતા મહિલા સશક્તિકરણના અતિ મહત્વના ભાગ છે. કેન્દ્ર સરકારની દીનદયાળ અંત્યોદય યોજના -રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે કાર્યરત છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નેસવડમાં ચાલતા કુળદેવી મહિલા મંડળની બહેનોને આજીવિકાનો ઉત્તમ સ્ત્રોત મળ્યો છે. તાજેતરમાં જામનગરમાં યોજાયેલા રિજીયોનલ સરસ મેળામાં આ સખીમંડળના બહેનોએ ઉત્પાદનોનું વેચાણ કરી રુપિયા 40 હજારની આવક મેળવી છે અને અન્ય ઓર્ડર પણ મળ્યા છે.
આ મંડળ સાથે જોડાયેલા સમજુબહેન મકવાણા જણાવે છે કે તેમના જૂથને 1.50 લાખ રુપિયાની કેશ ક્રેડિટ મળી હતી. જેના આધારે તેમણે ઘણી વસ્તુઓની ઉત્પાદન શરુ કર્યું છે. આ વસ્તુઓમાં વિવિધ મસાલાઓ સહિત જુદાં- જુદાં ફ્લેવરના ખાખરા, અથાણા, બેકરી પ્રોડક્ટ, એલોવેરા જ્યુસ, શેમ્પુ, હેર ઓઈલ, અગરબત્તી, ધુપબત્તી, ખાટલી વર્ક, લાકડાના મોબાઈલ સ્ટેન્ડ વગેરેનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે સ્વસહાય જૂથો અને સખી મંડળો દ્વારા બનતી આવી વસ્તુઓના વેચાણને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા વિવિધ શહેરોમાં સરસ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ પ્રકારના મેળાઓ દ્વારા ગ્રામીણ બહેનોને તેમના ઉત્પાદનો રાજ્યભરમાં પ્રત્યક્ષ રીતે વેચવાની તક મળે છે અને તેમના ઉત્પાદનોને પ્રસિદ્ધિ પણ મળે છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયત્નો થકી ગ્રામીણ મહિલાઓને સાચા અર્થમાં અંત્યોદયનો લાભ મળ્યો છે અને તેઓ આત્મવિશ્વાસભેર જીવી રહ્યા છે. આમ, Financial Inclusion (નાણાકીય સમાવેશન) અને Women Empowerment (મહિલા સશક્તિકરણ)નું વરવું ઉદાહરણ અહીં જોવા મળી રહ્યું છે.
ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી
