હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર
પાલીતાણા તાલુકાના જાળીયા અમરાજી કેન્દ્રવર્તીમાં દેશના વિવિધ મહાનુભાવોના ફોટા નીચે અસીસો મૂકીને તેમના ફોટોની નીચે ‘આમાં તમે પણ હોઇ શકો છો’ ના લખાણ દ્વારા બાળકોને પ્રેરણાં આપવાં માટેનો અનોખો પ્રયાસ કરવામાં આવે છે. આવાં જ એક ઉપક્રમમાં દેશના યંગેસ્ટ આઇ.પી.એસ. અને રાજ્યના યુવાઓમાં રોલ મોડલ તરીકે જાણીતા અને ભાવનગરમાં જ અત્યારે એ.એસ.પી. તરીકે કાર્યરત સફીન હસનનો વર્દીવાળો ફોટો મૂકીને જો તમે દિલથી અભ્યાસ કરશો તો તમે પણ તે બની શકો છો તેવો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આજે આઇ.પી.એસ. સફીન હસનનો જન્મદિવસ છે ત્યારે શાળાના આચાર્ય યુનુસખાન બલોચ અને શિક્ષક મિત્રો દ્વારા અનોખી રીતે વિદ્યાર્થીઓને મોટીવેટ કરવાં અને તેમાંથી વિદ્યાર્થીઓ પ્રેરણા લે માટે મહાપુરુષોની ઓળખ અને પ્રેરણા માટે ફોટો પ્રોજેક્ટ શાળામાં મૂકવામાં આવ્યો છે. આ રીતે શાળામાં મહાનુભાવોના જન્મદિવસ કે વિશેષ પ્રસંગોએ આ રીતે ફોટો મૂકીને વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તે માટેના પ્રયાસો શાળા પરિવાર દ્વારા કરવામાં આવે છે. પ્રાથમિક શાળા અને કેન્દ્રવર્તી શાળાના કમ્પાઉન્ડમાં મહાપુરુષો મહાત્મા ગાંધીજી, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, બંધારણના ઘડવૈયા ડો.બી. આર. આંબેડકર, એ.પી.જે. અબ્દુલ કલામ સહિતના મહાપુરુષોના ફોટો પ્રોજેક્ટમાં મૂકવામાં આવ્યાં છે.

આ મહાનુભાવોના સંઘર્ષ અને તેમણે કયા સંજોગોમાં તેમણે સફળતા મેળવી તે વિશે વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે. જેથી કરીને બાળકો તેમાંથી પ્રેરણા લઇ શકે. આ અરીસામાં ‘તમે પણ હોઈ શકો જેથી બાળકો આ અરીસાઓ સામે પોતાનો ચહેરો જોઈ ઉત્સાહિત થઇ રહ્યાં છે અને બાળકોને આ ફોટોમાંથી પ્રેરણા મળી રહે તે માટે ઉત્સાહભેર શાળાના બાળકો આ પ્રોજેક્ટ નિહાળી રહ્યાં છે ત્યારે આજે આઈ.પી.એસ. સફિન હસનનો જન્મદિવસ હોય ત્યારે અનોખી રીતે આ શાળામાં પ્રોજેક્ટ મૂકવામાં આવતાં આ પ્રોજેક્ટને હોંશભેર વિદ્યાર્થીઓ નિહાળી રહ્યાં છે. સફિન હસનના ફોટો નીચે અરીસામાં વિદ્યાર્થીઓ પોતાનો ચહેરો જોઈ એક અનોખી ફીલિંગ લઈ પ્રેરણા મેળવી રહ્યાં છે. પાલીતાણા તાલુકાના જાળીયા અમરાજી કેન્દ્રવતી શાળાના આચાર્ય યુનુસખાન બલોચ અને શિક્ષક સ્ટાફ દ્વારા આવાં અનોખા પ્રયાસ કરી બાળકોને પ્રેરણા મળી રહે તે માટે શાળામાં નીતનવીન અલગ પ્રકારના પ્રયોગો દ્વારા બાળકો તેમની ઉજ્જવળ કારકિર્દી બનાવવાં માટે કટિબધ્ધ બને તે માટે પ્રયાસો કરવામાં આવ્યાં હતાં.

