Sunday, February 15News That Matters

રૂપપુરા (ગોળા) ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે ગ્રે-વોટર ટ્રીટમેન્ટ યુનિટનું લોકાર્પણ કરાયું

હિન્દ ટીવી – ગુજરાતી, અમદાવાદ 

             ભારત સરકારની સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના હેઠળ ગ્રામ વિકાસ વિભાગના નવિન પ્રયોગોના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના રૂપપુરા ખાતે રૂા. ૫.૨૧ લાખના ખર્ચે નિર્માણ પામેલા ગ્રે-વોટર ટ્રીટમેન્ટ યુનિટનું આજે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે લોકાર્પણ થયું હતું. આ યુનિટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના આર્થિક અને વાસ્મોના ટેકનિકલ સહયોગ થી તૈયાર થયો છે. આ પ્રસંગે અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ગ્રે-વોટર ટ્રીટમેન્ટ ગામને ખૂબ જ ઉપયોગી નીવડશે. આ પ્લાન્ટમાં બાથરૂમ, રસોડા અને ગંદા પાણીને ટ્રીટમેન્ટ કરી ખેતી માટે વપરાશ લાયક બનાવી ભૂગર્ભ જળ રિ-ચાર્જ માટે ઉપયોગ કરી શકાશે. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ બનાસકાંઠા જિલ્લામાં ૧૬ જેટલા નવા પ્લાન્ટ બનાવવાની મંજૂરી આપી છે. જેનાથી આ ગામોમાં ફાયદા થશે. મંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર બાળક, માતા, દિકરી, યુવાન, વડીલો સૌની ચિંતા કરે છે. સરકાર દ્વારા શાળાઓમાં અનેક પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. આજે શાળામાં ભણતા દરેક બાળકની આરોગ્યલક્ષી તપાસ વિના મૂલ્યે સરકાર કરી રહી છે.ખેડૂતોને “સોઇલ હેલ્થ” કાર્ડ, બિયારણ, વિવિધ ખેડૂતલક્ષી યોજનાની સબસીડી, ડ્રીપ ઇરિગેશન, યોગ્ય ટેકાના ભાવ અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે ૬૦૦૦ રૂપિયા સીધા જ એમના ખાતામાં જમા કરવામાં આવે છે. માંગ્યા વગર આપતી આ સરકાર છે. આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું કે, આ ગ્રે-વોટર ટ્રીટમેન્ટમાં શુદ્ધ થયેલ પાણીનો ગ્રામજનો ઉપયોગ કરી શકશે. તેમણે લોકોને પર્યાવરણની જાળવણી કરવાનું અને વધુમાં વધુ વૃક્ષો વાવવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કેન્દ્ર સરકારે છેલ્લા ૮ વર્ષમાં કરેલ લોકહિતલક્ષી કાર્યોને યાદ કરાવ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, સંગઠનના જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.આઇ.શેખ, સરપંચ શ્રીમતી નયનાબેન, અગ્રણી સર્વશ્રીઓ લાલજીભાઇ પ્રજાપતિ, મહંત દોલતપુરી ગૌસ્વામી, અધિકારીઓ, રૂપપુરા ગામના આગેવાનો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *