હિન્દ ટીવી – ગુજરાતી, અમદાવાદ
ગ્રામ વિકાસ કમિશનર ગાંધીનગર ના પરિપત્ર અન્વયે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ના સંયુક્ત સંદર્ભ પત્ર અન્વયે સાબરકાંઠા જિલ્લાના તાલુકાઓમાં ગ્રામસભા યોજાઇ રહી છે. આ ગ્રામસભાઓનો પ્રથમ તબક્કો તા. ૬/૬/૨૦૨૨ થી તા.૨૦/૬/૨૦૨૨ યોજાશે. જેમાં વિજયનગર તાલુકામાં ૧૦ થી ૧૭ જૂન સુધી જિલ્લા કક્ષાના અધિકારીઓ ગ્રામસભામાં ઉપસ્થિત રહી લોકોને માર્ગદર્શન આપી લોકોના પ્રશ્નો અને સુચનો ગ્રામસભાના માધ્યમથી સાંભળી રહ્યા છે. અને તેનો યોગ્ય ઉકેલ આવે તે માટે ગ્રામસભામાં ઠરાવ કરીને જનસુખાકારીના તથા વિકાસના કાર્યોને પ્રાધાન્ય ગ્રામસભા થકી આપી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં ૨૩ ગામોમાં તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓની હાજરીમાં ગ્રામસભા યોજાશે. આજે તા.૧૪/૬/૨૦૨૨ ના રોજ જિલ્લાના નાયબ માહિતી નિયામક અરવિંદભાઈ મછારની ઉપસ્થિતિમાં આંતરસુબામાં ગ્રામસભા યોજાઈ હતી. જેમાં ડેપ્યુટી ડીડીઓ ભગોરા તથા તાલુકા વિકાસ અધિકારી ભાર્ગવ સિંહા તથા શ્રી ભાટી તથા તલાટી કમ મંત્રી પટેલ અને ગ્રામજનો તથા ગ્રામ્ય લેવલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નાયબ માહિતી નિયામક અરવિંદભાઈ મછારે જણાવ્યું હતું કે ગ્રામસભા એ ગામના વિકાસ માટેની અગત્યની સભા હોય છે જે સરકાર અને વહીવટીતંત્ર તથા લોકો વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવે છે અને લોકોના પ્રશ્નો અને સુચનો રજુઆતો ધ્યાને લેવામાં આવે છે. અને જનસુખાકારી માટે યોગ્ય નિરાકરણ લાવવામાં આવે છે. ગ્રામજનોની જાગૃતતા અને સહકારથી વિકાસના કામોને યોગ્ય વેગ આપી શકાય છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોની કલ્યાણકારી યોજનાઓ સામૂહિક તથા વ્યક્તિગત યોજના અમલી છે જેનો લાભ લેવા અપીલ કરી હતી અને માહિતી ખાતા દ્વારા તૈયાર કરાયેલ યોજનાકીય પુસ્તિકાઓનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભગોરાએ જણાવ્યું હતું કે લોકોને કામ કરવા માટે તમન્ના જાગે જિલ્લા પંચાયત અને મનરેગા દ્વારા ૮૫ પ્રકારના જુદા જુદા કામો ૧૦૦ દિવસની રોજગારી આપવાની સ્કીમ ચાલે છે. તેનો લાભ ઉઠાવવો ખેતી-પશુપાલન આરોગ્ય શિક્ષણ પીવાના પાણી અંગેની યોજનાઓનો ગ્રામસભા ગ્રામ પંચાયત દ્વારા લાભ ઉઠાવો. આપ સૌને આયુષ્યમાન ભારત, માં કાર્ડ કાઢીને કુટુંબને આરોગ્ય કવચ પૂરું પાડવા અપીલ કરી હતી. ઇ-શ્રમ કાર્ડ પણ વિના મૂલ્યે મેળવી લેવા હાકલ કરી હતી. અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું પણ આ વિસ્તારની આજ ગામની શાળામાં અભ્યાસ કર્યો છે. જેના થકી અહીં સુધી પહોંચ્યો છું તમારા બાળકોને શિક્ષણ આપો કોઇ વંચિત ન રહે શિક્ષણ એ પ્રગતિની પ્રથમ સીડી છે. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી ભાર્ગવ સિંહાએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયત જેવી જ સુવિધા ગ્રામ પંચાયતમાં ૫૬ જેટલી ડિજિટલ સેવાઓ દ્વારા તલાટી કમ મંત્રી દ્વારા પૂરી પાડવામાં આવી છે જેમાં આવકના દાખલા ૭/૧૨ /૮ અ ના ઉતારા તેમજ ઓનલાઇન એપ્લીકેશનનો સમાવેશ થાય છે. જેથી ઘર આંગણે જ આ સેવાનો લાભ સમયમર્યાદામાં ઉઠાવવા અપીલ કરી હતી. આંતરસુબા ગ્રામ પંચાયતને ૧૫ મા નાણાપંચમાં રૂ.૧૨ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જેમાં ગામના વિકાસના કામો જેવા કે બોર, મોટર, સી.સી.રોડ, ગરનાળા પાળાના કામો હાથ ધરવામાં આવ્યા છે. તેમ તલાટી કમ મંત્રીએ જણાવ્યું હતું. આ પ્રસંગે આંગણવાડી આશાવર્કર આરોગ્ય કર્મીઓ દ્વારા સ્વચ્છતા અને રોગચાળા અંગે જાગૃતતા દાખવવા સમજણ આપી હતી આંતરસુબા ની ગ્રુપ ગ્રામ પંચાયતના ગામોના લોકો મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
