Sunday, February 15News That Matters

આર્ય સમાજ દ્વારા ભાવનગર ખાતે યોજાયેલાં પ્રાકૃતિક કૃષિ સંમેલન અને પુસ્તક વિમોચનનો કાર્યક્રમમાં માર્ગદર્શન આપતાં રાજ્યપાલ

હિન્દ ટીવી ગુજરાતી,

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા ભાવનગર ખાતે યોજાયેલાં ખેડૂત સંમેલનને સંબોધતાં જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી આખું વિશ્વ ત્રસ્ત છે. પ્રકૃતિ સાથે છેડછાડ કરવાનું આ પરિણામ છે. જળ- જમીન અને પર્યાવરણની રક્ષા, સ્વાસ્થ્યપ્રદ આહાર તેમજ ખેડૂત અને ખેતીની સમૃદ્ધિ માટે હવે પ્રકૃતિ તરફ પાછા વળીને પ્રાકૃતિક કૃષિ અપનાવવી અત્યંત આવશ્યક છે. રાજ્યપાલએ જણાવ્યું હતું કે, આઝાદી બાદ ખાદ્યાન્નની પૂર્તિ માટે હરિત ક્રાંતિ તળે રાસાયણિક કૃષિ અપનાવવી એ સમયની માંગ હતી, પરંતુ આજ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગને કારણે જમીન બંજર બની રહી છે, ઉત્પાદન ઘટી રહ્યું છે. સરવાળે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે. રાસાયણિક કૃષિથી દૂષિત આહારને કારણે લોકો અસાધ્ય બીમારીના ભોગ બની રહ્યાં છે તેમણે પ્રાકૃતિક કૃષિને રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે ગણાવી જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિમાં ગાયના છાણ-ગૌ મૂત્ર-બેસન-ગોળ અને માટીથી બનતાં જીવામૃત અને ઘનજીવામૃતનાં ઉપયોગથી જમીનમાં અળસિયાં જેવાં મિત્ર સુક્ષ્મ જીવોની માત્રા વધે છે, જમીનનો ઓર્ગેનિક કાર્બન વધતાં જમીન ફળદ્રુપ બને છે, સ્વાસ્થ્યપ્રદ આહાર મળે છે અને દેશી ગાયનું જતન થાય છે. તેમણે જણાવ્યું હતું કે, દેશી ગાયનાં એક ગ્રામ છાણમાં 300 કરોડ જેટલા સૂક્ષ્મ જીવાણુઓ રહેલા હોય છે. રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિમાં જમીનનાં આચ્છાદન અર્થાત મલ્ચિંગનું મહત્વ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, કૃષિ અવશેષોનાં આચ્છાદનથી નિંદામણની સમસ્યા થતી નથી. જમીનને ઊંચા તાપમાન સામે રક્ષણ મળે છે, ભેજની જાળવણી થાય છે અને સૂક્ષ્મ જીવોને કાર્ય કરવાનું વાતાવરણ મળે છે. રાજ્યપાલએ ઓર્ગેનિક અર્થાત જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતીને તદ્દન અલગ ગણાવી જણાવ્યું હતું કે, જૈવિક ખેતીમાં પુષ્કળ માત્રામાં છાણિયાં ખાતરની જરૂર પડે છે. વિદેશી અળસિયાંને ભારતીય વાતાવરણ અનુકૂળ આવતું નથી. જૈવિક ખેતીમાં શરૂઆતનાં વર્ષોમાં ઉત્પાદન ઘટે છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં એક દેશી ગાયની મદદથી ૩૦ એકર જમીનમાં ખેતી કરી શકાય છે. જેના કારણે કૃષિ ખર્ચ ઘટે છે, સ્વાસ્થ્યપ્રદ ખાદ્યાન્નનાં પ્રમાણમાં સારા ભાવ મળતાં ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે.રાજ્યપાલએ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં આત્મનિર્ભર ભારતનાં સંકલ્પને સાકાર કરવા આત્મનિર્ભર ખેડૂત અને આત્મનિર્ભર કૃષિની આવશ્યકતા ઉપર ભાર મુકી આ માટે પ્રાકૃતિક કૃષિને શ્રેષ્ઠ વિકલ્પ ગણાવ્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલએ આર્ય સમાજનાં દર્શનાચાર્ય અજય આર્ય દ્વારા લિખિત “શીઘ્ર આર્થિક સફળતા વિજ્ઞાન” પુસ્તકનું વિમોચન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી પર જન્મ લેનારાં મહર્ષિ દયાનંદ સરસ્વતીએ વૈદિક સંસ્કૃતિનો પુનરોદ્ધાર કરી વેદોનો યૌગિક અર્થ કરી તેને સત્યાર્થ પ્રકાશ સ્વરૂપે વૈજ્ઞાનિક રૂપથી પ્રસ્તુત કર્યો હતો. તેમણે સમાજને પાખંડ, કુરીતિઓ અને દુષણોથી મુક્ત કરી નારી ગૌરવની સ્થાપના કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, દયાનંદ સરસ્વતીએ દેશની આઝાદી માટે ક્રાંતિકારીઓને પ્રેરણા પૂરી પાડવાનું મહત્વનું કાર્ય પણ કર્યું હતું. રાજ્યપાલએ વૈદિક સંસ્કૃતિથી મંડિત ધર્મપરાયણ સમાજની રચના માટે આર્ય સમાજની વિચારધારાને જન-જન સુધી પહોંચાડવા સૌને અનુરોધ પણ કર્યો હતો. આ તકે કેબિનેટ શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘણીએ જણાવ્યું હતું કે, આર્યસમાજ દ્વારા હંમેશા અનોખી શીખ અને ઉર્જા મળે છે. વેદ આધારિત સમાજ જીવન અને જીવ સૃષ્ટિ વિશે રાજ્યપાલ વિશેષ જ્ઞાન ધરાવે છે. તેમની ઉપસ્થિતિથી આપણને અનોખું માર્ગદર્શન મળશે. ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના રતનશીભાઈ વેલાણીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, આપણે આજે વેદોથી દૂર થઇ રહ્યાં છીએ. મહર્ષિ દયાનંદ સરસ્વતીએ જે રીતે વેદ તરફ પાછા વળવાનો મંત્ર આપ્યો હતો. તેને અનુસરવાનો આજે સમય પાકી ગયો છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતનાં રાજ્યપાલ આ વેદોના દર્શનને વાસ્તવિકતામાં ચરિતાર્થ કરી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યાં છે તે અનુકરણીય છે. 

આ તકે ભાવનગરના યુવરાજ જયવિરરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં આપણને તંદુરસ્તીનું મહત્વ સમજાયું છે, ત્યારે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનીએ અને ભાવનગરના ઇતિહાસ ગૌરવને જાળવી રાખીને તેને વધુ ઉન્નત બનાવીએ. આ પ્રસંગે પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ શીધ્ર આર્થિક સફળતા વિજ્ઞાન પુસ્તકનો પરિચય આપતાં જણાવ્યું કે, આજકાલ ધનનો મહિમા સર્વોપરી છે. તેવાં સમયે વૈદિક પરંપરાના મૂલ્યોને કેવી રીતે જીવનમાં અમલમાં મૂકી શકાય તે દર્શાવ્યું છે. તેમણે વધુમાં આ પુસ્તક વિશે વૈજ્ઞાનિક સમજ આપતાં જણાવ્યું કે, વિજ્ઞાનમાં પગલાઓ અને તબક્કાઓ હોય છે તેને જો ક્રમાનુસાર અનુસરવામાં આવે તો રોકડી સફળતા હાંસલ થાય છે.

પુસ્તકના લેખક આચાર્ય અજય આર્યએ જણાવ્યું કે, સ્વયંને બદલવાથી પરિસ્થિતિ સ્વયં બદલાઇ જશે. અન્ન સાથે ધનનો પ્રાસ બેસાડવાનો પ્રયાસ આ પુસ્તક દ્વારા કર્યો છે. આ અવસરે રાજ્યપાલએ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અપનાવનાર ખેડૂતોનું અભિવાદન પણ કર્યું હતું. આ પ્રસંગે ભાવનગર પૂર્વનાં ધારાસભ્ય સુ વિભાવરીબેન દવે, મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારિયા સહિતના મહાનુભાવો તથા જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *