હિન્દ ટીવી ગુજરાતી, જૂનાગઢ
જૂનાગઢ જિલ્લામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.જી. સોજીત્રા તથા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી બી.ડી. ભાડના માર્ગદર્શન હેઠળ કાર્યરત ‘ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન’ (DHEW) ટીમ દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન જિલ્લાના ગામડાઓમાં કુલ ૧૮૩ મુલાકાતો સફળતાપૂર્વક યોજવામાં આવી હતી.
ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમન યોજનાનો મુખ્ય હેતુ મહિલાઓના સશક્તિકરણ સાથે સમાજમાં રહેલા લિંગ આધારિત ભેદભાવ અને પૂર્વગ્રહોને દૂર કરવા માટે માળખાઓને મજબૂત બનાવવાનો છે. મહિલાઓ સુધી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને કાયદાઓની માહિતી પહોંચે તે હેતુ માટે ડીસ્ટ્રીકટ હબફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લાના ગામડાઓ ખાતે મુલાકાતો યોજાઈ હતી. આ મુલાકાતો દરમિયાન વિવિધ યોજનાઓના કુલ ૧૨૦૭ ફોર્મ ભરવામાં આવ્યા હતા.
DHEW ટીમ દ્વારા ઘરમુલાકાતો કરીને લાભાર્થીઓને જરૂરી દસ્તાવેજો, યોજનાનો લાભ મેળવવાની પ્રક્રિયા તથા પડતી મુશ્કેલીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, જાતિગત અસમાનતા, ભ્રુણ પસંદગી જેવા મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવવામાં આવી તેમજ ઘરેલુ હિંસાથી અસરગ્રસ્ત મહિલાઓને આશ્રય અને કાયદાકીય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
મહિલાઓના આર્થિક અને સામજિક ઉત્થાન અને આત્મનિર્ભરતા માટે મહિલા સ્વાવલંબન યોજના હેઠળ ગ્રામ્ય અને શહેરી કક્ષાએ ૧૮ થી ૬૫ વર્ષ સુધીની બહેનો વ્યવસાય અને આર્થિક ઉપાર્જન માટે આ યોજના હેઠળ અરજી કરી શકે છે. જેમાં (DHEW) ટીમ દ્વારા વર્ષ દરમિયાન કુલ ૩૦૯ લાભાર્થીઓની અરજીઓ બેંકમાં મોકલવામાં આવી છે. જેમાંથી પ૧ લાભાર્થીઓને લાભાર્થીદીઠ મહત્તમ બેલાખ સુધીની લોન મળેલ જેમાં નિગમ દ્રારા ર૬ લાખથી વધુની સબસીડીનો લાભ સીધો લાભાર્થીના ખાતામાં ચેક દ્રારા જમા થયેલ છે. જેનાથી મહિલાઓ પોતાના ધંધામાંથી આજીવિકા મેળવી આત્મનિર્ભર બનેલ છે.
આ સમગ્ર કામગીરી જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ DHEW ટીમના કૃપાબેન, રમેશભાઈ, મિનાક્ષીબેન અને માનસીબેન દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
