Sunday, February 15News That Matters

બાગાયત વિભાગ દ્વારા ઓઈલપામની ખેતી કરવા માંગતા ખેડૂતો માટે સહાયલક્ષી યોજનાનો લાભ મળશે

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર  

    રાજયમાં વર્ષ-૨૦૨૫-૨૬ માટે નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ અને ઓઇલ પામ યોજના અમલમાં છે. જે અન્વયે ખેડૂતોને ઓઈલ પામ વાવેતર, ઓઇલ પામ સાથે આંતરપાક, સાધન-મશીનરી માટે સહાય આપવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં સદર યોજનાનું અમલીકરણ બાગાયત વિભાગ દ્વારા થાય છે. પામોલિન ઓઇલ એ પામ નામના ઝાડમાંથી મળે છે. ફરસાણ, પેકેટ ફૂડ તથા વિવિધ ખાદ્ય બનાવટોમાં આ તેલનો ઉપયોગ થાય છે. આ તેલની ખાસિયત છે કે તેમાં બનાવેલ ફૂડ પ્રોડકટ લાંબા સમય સુધી બગડતી નથી. 

પ્રવર્તમાન સમયે બજારમાં આ તેલની માંગ વધારે છે. દેશમાં આ તેલ અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવે છે. જેના કારણે વધુ વિદેશી હુંડિયામણનો ખર્ચ કરવો પડે છે અને ખરેખર તેનો લાભ ખેડૂતોને મળી શકે તેવા પ્રયાસના ભાગરુપે વાવેતર વિસ્તાર વધારવા આ સહાય યોજના અમલી છે. ઓઇલ પામ એ એકર દીઠ ઘણી સારી આવક આપતો પાક છે. ખેડૂતોને આ પાકના વાવેતર માટે માર્ગદર્શન અને પ્લાન્ટિંગ મટીરીયલ પૂરું પાડવા માટે સરકાર દ્વારા ભાવનગર જિલ્લામાં પ્રિ-યુનિક કંપનીને માન્યતા આપવામાં આવી છે. 

પાકના વાવેતર માટે ખેડૂતોને પ્રતિ હેકટર પ્રથમ વર્ષે રૂ.૨૯,૦૦૦ તથા બાકીના ચાર વર્ષ માટે રૂ.૧૦,૫૦૦ છે જે પ્રતિ વર્ષ આંતરપાક તથા નિભાવણી ખર્ચ પેટે સહાય રહેશે. આ યોજનાનો લાભલેવા ઇચ્છુક ખેડૂતોએ વધુ વિગતો માટે પ્રિ – યુનિક કંપનીના મોબાઈલ નંબર ૯૧૫૪૧ ૯૭૯૭૫ અથવા નાયબ બાગાયત નિયામક સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગરનો રૂબરૂ અથવા ટેલીફોન નંબર ૦૨૭૮-૨૪૨૦૪૪૪ પર સંપર્ક કરવાનો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *