હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર
ભાવનગર જિલ્લાના બાગાયતદારો માટે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. યોજના હેઠળના વિવિધ ઘટકની સહાય માટે નવા આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ ને તા.૨૪ એપ્રિલ થી તા.૩૧ મે સુધી ખુલ્લું મુકવામાં આવ્યું છે. જે અંતર્ગત સહાયનો લાભ લેવા માંગતા બાગાયતદરોએ www.ikhedut.gujarat.gov.in વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
જેમાં લાભ લેવા માંગતા ખેડૂતોએ અરજી કરતાં પહેલા આઈ- ખેડૂત પર નોંધણી કરવી ફરજિયાત છે. તેમજ અરજીમા જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઇમ (બીલ ફાઈલ) સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનીક કાગળો સહિત નાયબ બાગાયત નિયામકની કચેરી, નવાપરા,ભાવનગર ખાતે બિનચૂક જમા કરાવવાની રહેશે.
બાગાયતી યોજના હેઠળના વિવિધ ઘટકો જેવા કે શાકભાજી પાકો માટે કાચા, અર્ધપાકા અને પાકા મંડપ માટે સહાય, આંબા તથા જામફળ પાકમાં ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, કમલમ ફળ વાવેતર માટે સહાય, ટીસ્યુકલ્ચર ખારેક, નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય, કેળ(ટીસ્યુ)-ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, પપૈયા-ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, આંબા તથા લીંબુના ફળપાકના જુના બગીચાઓને નવસર્જન માટે સહાય, સરગવા પાકના વાવેતર માટે સહાય, ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટે સહાય, ઘનિષ્ટ પદ્ધતિ દ્વારા વાવેતર કરવામાં આવેલ ફળપાકો, પપૈયા, કેળ (ટીસ્યુ), બાગાયતી પેદાશોના પેકિંગ મટીરીઅલ માટે સહાય, ક્રોપ કવર (શાકભાજી પાકો), કોપ કવર/બેગ (કેળ/પપૈયા પાક માટે), દાડમ ક્રોપ કવર/ખારેક બંચ કવર, ફુટ કવર (આંબા,દાડમ,જામફળ,સીતાફળ,ડ્રેગન ફુટ), બાગાયતી પાકો માટે વોટર સોલ્યુબલ ખાતર માટે સહાય, ખેતર પરના શોટિંગ, ગ્રેડિંગ, પેકિંગ એકમો ઉભા કરવા સહાય, સ્વરોજગાર લક્ષી બાગાયત નર્સરી વિકાસ કાર્યક્રમ, બાગાયતી પાકોના નવા પ્રોસેસિંગ યુનિટ માટે સહાય, કાપની તથા પ્રોસેસિંગના સાધનો ખરીદવા સહાય, કોલ્ડ ચેન મેનેજમેન્ટ કાર્યક્રમ, બાગાયતી પાકોની દરિયાય માર્ગે/હવાઈ માર્ગે નિકાસ માટેના વાહતુક ખર્ચમાં સહાય વગેરે ઘટકોમાં સહાય માટે અરજી કરી શકાશે.
વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામક, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગરનો રૂબરૂ અથવા ટેલીફોન નંબર ૦૨૭૮-૨૪૨૦૪૪૪ પર સંપર્ક કરવો.
