હિન્દ ટીવી – ગુજરાતી, જામનગર
જામનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ સમિતિ જામનગરના અધ્યક્ષ શ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને સમિતીની ત્રિમાસીક બેઠક, અને સેવારત તથા પુર્વ સૈનિકોની સમસ્યા નિવારણ અંગેની બેઠકનું કલેક્ટર કચેરીના સંભાખંડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં નિવૃત જવાનોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી માસિક આર્થિક સહાય, દિકરી લગ્ન સહાય, સ્કોલરશીપ, અંતિમ ક્રિયા સહાય, યુદ્ધ જાગીર ભથ્થુ તથા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી વિવિધ સહાયની વિગત કચેરીના મુખ્ય કારકુન શ્રી યોગેશ સોનીએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી રજુ કરી હતી તેમજ પુર્વ સૈનિકો તથા મંડળો તરફથી મળેલ મુદ્દાઓ બાબતે કલેક્ટર સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.
બેઠકમાં જામનગર જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી કમાન્ડર સંદિપ જયસ્વાલે (નિવૃત) ‘સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ’ અંગેની વિગતો આપતા જણાવ્યુ હતુ કે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, જામનગરને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન જામનગર જિલ્લાના દાતાશ્રીઓએ ફાળવેલ લક્ષ્યાંક રૂ ૨૦,૦૦,૦૦૦/- ની સામે કુલ રૂ ૪૫,૧૮,૧૯૪/- એકત્ર કરી કુલ ૨૨૫.૯૦% નો ફાળો એકત્ર કરવામાં મહત્વનો ફાળો આપેલ છે.તથા નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ તા.૦૧/૦૪/૨૦૨૪ થી તા.૨૮/૦૨/૨૦૨૫ સુધીમાં ૨૨ પરિવારોને રૂ. ૧૨,૮૮,૯૦૦/- ની માસીક આર્થીક સહાય ૦૧ પરિવારને રૂ. ૨૭,૫૦૦/- ની દિકરી લગ્ન સહાય તેમજ ૧૨ પરિવારોને અંતીમ ક્રિયા સહાય પેટે રૂ. ૧,૨૦,૦૦૦/-ની એમ કુલ રૂ. ૧૪,૩૬,૪૦૦/- ની સહાય ચુકવવામાં આવેલ છે.
ઉક્ત બેઠકમાં કલેક્ટરએ જામનગરની જનતાને સશસ્ત્ર સેના ધ્વજદિન માટે ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરેલ હતી તથા પૂર્વ સૈનિકો, સ્વ.સૈનિકોના ધર્મપત્ની અને તેઓના આશ્રીતીને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સવલતો મળી રહે તે માટેની કાર્યવાહીને પ્રાધાન્ય આપી સરકાર તરફથી લાગુ પડતી તમામ સહાયના લાભો સમયસર લાગુ પડતા લાભાર્થીઓને મળી રહે તે બાબતની કાર્યવાહી અગ્રતાના ધોરણે હાથ ધરવા સૂચન કરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેક્ટર બી.એન.ખેર, ઈન્ડીયન આર્મી, ઈન્ડીયન નેવી, અને ઈન્ડીયન એર ફોર્સના અધિકારીઓ, પ્રમુખ હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ, તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
