Sunday, February 15News That Matters

તાલાલા ચોકડી ખાતે આવેલ આઈ.આર.એમ.એનર્જી ગેસપંપ ખાતે ગેસ લીકેજની મોકડ્રિલ યોજાઈ

હિન્દ ટીવી – ગુજરાતી, તાલાલા 

    ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે વેરાવળ-સોમનાથ તાલાલા બાયપાસ પર આવેલા સી.એન.જી ગેસપંપ ખાતે ગેસ લીકેજ અંગેની મોકડ્રિલ યોજાઈ હતી.

આઈ.આર.એમ. એનર્જીના તાલાલા ચોકડી પર આવેલા ગેસપંપ ખાતે ગેસ લીકેજનો મેસેજ પાસ થતાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર હરકતમાં આવ્યું હતું અને આ ગેસ લીકેજને તાત્કાલિક ધોરણે અટકાવવા માટે સુરક્ષાના અટકાયતી પગલાનું નિદર્શન કર્યું હતું.  

ભવિષ્યમાં ગેસ લીકેજની દુર્ઘટના બને ત્યારે જાનમાલની ખુવારી અટકાવી શકાય અને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે ડિઝાસ્ટર તંત્ર દ્વારા સમયાંતરે આ પ્રકારની મોકડ્રિલ યોજવામાં આવતી હોય છે. આ પ્રકારની મોકડ્રિલને કારણે જિલ્લામાં થનારા સંભવિત અકસ્માતને અટકાવવા સાથે સુરક્ષાના પગલા લેવાની સજ્જતા પણ કેળવી શકાય છે.

આજે ગેસપંપ ખાતે ગેસ ઓપરેટરને ગેસ લીકેજની જાણ થતાં તાત્કાલીક જ સ્થાનિક ધોરણે તાત્કાલીક સાઈટ ઈન્સિડેન્ટ કંટ્રોલરને જાણ કરી હતી અને ગેસ પંપના સાઈટ ઈન્સિડેન્ટ કંટ્રોલરે જિલ્લાતંત્રની આ માટે મદદ માગવા સાથે આસપાસની કંપનીઓ પાસેથી પણ ફાયર ટેન્ડર મગાવીને ઝડપથી આગ પર કાબૂ મેળવી શકાય તે માટે મદદ માગી હતી.

ફાયર ઈમરજન્સીનો આ કોલ મળતાં જ વિવિધ કંપનીના ફાયર ટેન્ડર સાથે ગુજરાત સરકારનું ફાયર વિભાગ હરકતમાં આવ્યું હતું અને તાત્કાલીક આગને ઓલવવા માટે સ્થળ પર ઝડપથી પહોંચ્યું હતું. આ દરમિયાન ગેસ લીકેજને કારણે બેભાન થયેલા કર્મચારીને પણ તાત્કાલીક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડી માનવજીંદગીને બચાવવાનું પણ કાર્ય થયું હતું.

સવારમાં ઘટેલી આ દુર્ઘટના અન્વયે ફક્ત એક કલાકની અંદર જ રેસ્ક્યૂ અને રીલિફની કામગીરી આટોપી લઈને જિલ્લા ડિઝાસ્ટર તંત્રએ પોતાની કુશળતા અને કાબેલિયતનું નિદર્શન કર્યું હતું.

આ સાથે આઈ.આર.એમ. એનર્જી ગેસપંપના સ્થાનિક તંત્ર દ્વારા પણ સંભવિત ગેસ દુર્ઘટનાને અટકાવવા એસ.ઓ.પી. પ્રમાણેની પોતાની સજ્જતાનું નિદર્શન કરીને તાત્કાલિક ફાયર કૉલ આપીને ઘટના દુર્ઘટનામાં ન પરિણમે તે માટે નિવારણ માટેના તાત્કાલિક પગલાં લઈ પોતાની સજ્જતાનો પરિચય આપ્યો હતો.

આ સમગ્ર દુર્ઘટના પર કાબૂ મેળવાયા બાદ વિવિધ કંપનીના ફાયર વિભાગના વડાઓએ આપાતકાલીન પરિસ્થિતિ દરમિયાન ઈમર્જન્સી રિસ્પોન્સ ટાઈમ, બચાવમાં આવતા અવરોધો, જાનહાનિ અને નુકસાનને ટાળી શકાય યોગ્ય સાધનોનો ઉપયોગ, કોમ્યુનિકેશન, ફાયર બ્રિગેડ, ફાયર એક્સ્ટિંગ્યૂશર, ફર્સ્ટ એઈડ સેવાઓ વગેરે અંગે પોતાના ઉપયોગી માર્ગદર્શન અને સૂઝાવ આપ્યાં હતાં. જેથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ વખતે વધુ સજ્જતાથી કાર્ય કરી શકાય.

આઈ.આર.એમ.એનર્જીના ડિસ્ટ્રિક્ટ હેડ હાર્દિકસિંહ ડોડિયા, સેફ્ટી ઓફિસર જગદીશ ચૌધરીની નિશ્રામાં આ સમગ્ર નિદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું.

આ અવસરે ઈન્ડસ્ટ્રિયલ સેફ્ટી ડેપ્યુટી ડિરેક્ટર જિજ્ઞેશ ત્રિવેદી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ મામલતદાર એ.સી.મેર, જી.એચ.સી.એલ ફાયર સેફ્ટી મેનેજર પી.કે. ચૌધરી, સુનિલગીરી અપારનાથી, ફાયર ઓફિસર સુનિલ યાદવ મેનેજર રાજેશ રાજપૂત સહિત જી.એચ.સી.એલ, અંબુજા સિમેન્ટ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, ટોરેન્ટ પાવર, સૌરાષ્ટ્ર સિમેન્ટના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *