Monday, February 16News That Matters

ઉચ્ચઅભ્યાસ બાદ ખેતી કરીને ગાંધીધામના વરૂણ શર્માએ અન્ય યુવાઓ માટે ચીંધ્યો નવો માર્ગ

હિન્દ ટીવી ગુજરાતી, ભુજ

એમબીએ સુધીનો અભ્યાસ કરેલ ગાંધીધામનો નવયુવાન ચુબડક ગામમાં પ્રાકૃતિક ખેતી કરી ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરી નોંધપાત્ર આવક મેળવી રહ્યો છે. આજે જ્યારે યુવાનો ઉચ્ચ અભ્યાસ કરી ખેતીથી વિખુમ થઇ રહ્યા છે ત્યારે ગાંધીધામના વરૂણ વિનોદ શર્માએ સફળ પ્રાકૃતિક ખેતી કરવાના સપનાને સાકાર કર્યું છે. પોતાના ખેતી કરવાના વિચારને અમલી કરવા જમીન ખરીદ કરી ખેતીના પાઠ ભણી હાલ તેઓ ખેતીમાં પારંગત બની ચુ્ક્યા છે. આજે તેઓ રાસાયણિક ખેતી ત્યજી પ્રાકૃતિક ખેતી સાથે એગ્રો બિઝેનસ કરીને નવું સિમાચિહ્ન બનાવ્યું છે.

૫૪ ગાયોના જતન સાથે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરતા વરૂણભાઇ જણાવે છે કે, વર્ષ ૨૦૦૯માં ખેતીવાડી કરવાનો વિચાર આવતા ચુબડક ગામમાં બધા ભાઇઓએ મળીને જમીન ખરીદી કરી હતી. શરૂઆતમાં ખેતી વિષયક જ્ઞાન ન હોવાથી આજુબાજુના ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ અને માર્ગદર્શન લઈ યુરીયા, ડી.એ.પી., પોટાશ, ઝીંક, સલ્ફર જેવા જરૂરી તથા બિનજરૂરી રાસાયણીક ખાતરો વાપરતા ખર્ચનાં પ્રમાણમાં ઉત્પાદન મળ્યું નહી. ઉપરાંત જમીનની નિતાર શક્તિમાં ઘટાડો થયો અને જમીન કઠણ થતી જોવા મળી જેથી પાણીનાં વપરાશમાં વધારો થયો. સાથોસાથ દર વર્ષે દવા-બિયારણમાં નવીનતા આવવાથી ખેતી ખર્ચમાં વધારો થતો ગયો. આવક કરતા જાવક વધતી જતી લાગી અંતે રાસાયણીક ખેતી છોડી દેવાનો વિચાર કર્યો. સમસ્યાના ઉકેલ માટે વર્ષ ૨૦૧૬માં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-મુન્દ્રાના અધિકારીશ્રીઓ સાથે પ્રાકૃતિક ખેતી વિશે ચર્ચા – વિચારણા કરવામાં આવી તથા આત્મા ઓફિસ-ભુજ દ્વારા વધુ માહિતી મેળવી ગાય આધારીત ખેતી કરવાનું નક્કી કર્યું. આમ, જૂન-૨૦૧૬ માં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી.

તેઓ વધુમાં ઉમેરે છે કે, પ્રાકૃતિક ખેતીની ૬ શિબિરમાં, વ્યક્તિગત ૧૫-૧૫ દિવસની તાલીમ તથા પ્રત્યક્ષ ખેતી પધ્ધતી જોઈ આજે સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું. વર્તમાન સમયમાં સીતાફળ, જામફળ, ચીકુ, આંબા, ખારેક, ઘઉં, ચણા, પાલક, મેથી, રીંગણ, ટામેટા તથા ગાયો માટે ચારો વગેરેનું વર્ષભર ઉત્પાદન મેળવીએ છીએ. તેને સીધું જ બજારમાં વેચાણ કરતા ખૂબ સારો નફો પ્રાપ્ત થઇ રહ્યો છે.

તેઓ ગૌ આધારિત ખેતી વિશે જણાવે છે કે, પ્રાકૃતિક ખેતી માટે અમારી પાસે નાના-મોટા ગીર ગાયનાં ૫૪ પશુધન છે. જેમાંથી ખેતી માટે જરૂરી સેન્દ્રીય ખાતર, ગૌ-મૂત્ર, જીવામૃત, ઘનજીવામૃત, દશપર્ણી અર્ક બનાવીને તેનો ખેતીમાં છૂટથી ઉપયોગ કરી રહ્યા છીએ. ગૌ-મૂત્ર, ગૌ-છાણમાંથી સેન્દ્રીય ખાતર બનાવવાથી જમીનમાં પણ સારો એવો સુધારો જોવા મળ્યો છે. સાથે સીતાફળ, જામફળ, ચીકુ, આંબા, ખારેક, ઘઉં, ચણા, પાલક, મેથી, રીંગણ, ટામેટા તથા ગાયો માટે ચારો તથા ધાન્ય અને કઠોળમાં મીઠાશ સ્વાદ તથા ઉત્પાદનમાં વધારો થતો રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, પ્રાકૃતિક ખેતી તથા પશુપાલનમાં સારી કામગીરી કરવા બદલ તેમને રાજયકક્ષાના એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *