હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર
ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે અંગે જિલ્લા કલેક્ટરએ વિવિધ સૂચનાઓ આપી
મુસ્લિમ સમાજના મહોરમ તહેવારની ઉજવણી આગામી ૨૮ અને ૨૯ જુલાઈ નાં રોજ થવાની છે. આ દિવસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તેમજ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે કલેક્ટર કચેરી ખાતે આજે જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાની અધ્યક્ષતામાં વહિવટી તંત્ર અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠકમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ તરફથી રજૂઆત કરાઇ હતી કે, ભાવનગર શહેરમાં નોંધાયેલા મુખ્ય તાજીયાઓની સંખ્યા આશરે ૩૫ છે અને તેની સામે માનતાના તાજીયોઓ જોડાશે. ૨૮ અને ૨૯ જુલાઈ નાં રોજ તાજીયાઓના રૂટ અંગે જરૂરી વ્યવસ્થા ઉભી કરવાં માટે કલેક્ટરએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં કમિશ્નર એન. વી. ઉપાધ્યાય, ડી.વાય.એસ.પી. આર. વી. ડામોર, નિવાસી અધિક કલેક્ટર બી.જે.પટેલ, સેન્ટ્રલ તાજીયા કમિટીના પ્રમુખ સૈયદ હુસૈનમિયાંબાપુ, ઉપપ્રમુખ રજાકભાઇ કુરેશી તેમજ મુસ્લિમ સમાજના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
