હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા અને રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારે ગીર સોમનાથના આદર્શ ગામ બાદલપરાની મુલાકાત લીધી હતી. અહીં મંત્રીઓએ સ્માર્ટ આંગણવાડી સહિત સેવાકિય અને સુવિધાદાયક પ્રકલ્પોને બીરદાવ્યા હતાં.
આ મુલાકાત દરમિયાન મંત્રીઓએ બાદલપરા સ્માર્ટ આંગણવાડીની મુલાકાત લઈ ભૂલકાઓ સાથે હળવી અને ગમ્મતભરી પળો પસાર કરી હતી અને સ્માર્ટ આંગણવાડીની કામગીરીને બીરદાવી હતી. જે પછી મંત્રીઓએ ગામની સુવિધાઓ, સ્વચ્છતા તેમજ ઘનકચરાના નિકાલથી લઈ તમામ વ્યવસ્થાઓના વખાણ કર્યા હતાં તદુપરાંત મંત્રીશ્રીઓએ શ્રી ધાનાભાઈ બારડ મેમોરિયલ ખાતે આરોગ્ય કેન્દ્ર અને લાઇબ્રેરી અને અન્ય સુવિધા અને સેવાકીય પ્રકલ્પોનું પણ નિરીક્ષણ કર્યું હતું અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડના પ્રયત્નોને બીરદાવ્યા હતાં.
મંત્રીઓની બાદલપરા ગામની મુલાકાત દરમિયાન સાંસદ રાજેશભાઈ ચુડાસમા, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠીયા તેમજ અન્ય પદાધિકારીઓ અને અગ્રણીઓની પણ ઉપસ્થિતી રહી હતી.

