હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર
ભાવનગર શહેરમાં આગામી તા.૨૦/૦૬/૨૦૨૩ નાં રોજ અષાઢી બીજ નિમિતે ભગવાનશ્રી જગનાથજીની રથયાત્રા જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા સવારે કલાક ૦૮-૦૦ વાગ્યાથી સુભાષનગર, ભગવાનેશ્વર મહાદેવજી મંદિરેથી પ્રસ્થાન કરવામાં આવે છે. જે રથયાત્રા ભાવનગર શહેરનાં ગંગાજળીયા તળાવ, ઘોઘાગેટ, હેરીસ રોડ, ખારગેટ, ખારાકુવા, મામાકોઠા, ડોક્ટરશ્રી ગજ્જરનો ચોકમાં થઈ હલુરીયા ચોક જશે. આ રથયાત્રાનાં રૂટ ઉપર લોકોના ઘસારાને રોકવા માટે બેરીકેડ કરવામાં આવે છે, જેથી તા.૨૦/૦૬/૨૦૨૩ નાં સવારે કલાક ૦૭-૦૦ વાગ્યાથી કલાક ૨૪-૦૦ સુધી રથયાત્રાનાં રૂટ ઉપર દ્વિચક્રી વાહનો પ્રવેશે નહી તે માટે તેમજ રથયાત્રાનાં રૂટ પર નો-પાર્કિંગ અંગેનાં પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષકશ્રી, ભાવનગરનાં દરખાસ્ત રજુ થયેલ છે. જે અનુસાર રથયાત્રા ભાવનગર શહેરનાં લોકોની વધુ અવર – જવરવાળા ગીચ વિસ્તારોમાંથી પસાર થનાર હોવાથી રથયાત્રાના રૂટ ઉપર ટ્રાફીકનું નિયમન કરવું અનિવાર્ય જણાતા ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ (સને ૧૯૫૧ ના રરમાં અધિનિયમ) ની કલમ ૩૩ (૧)(બી) થી મળેલ અધિકારની રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગર દ્વારા તા.૨૦/૦૬/૨૦૨૩ નાં રોજ સવારે ૦૭-૦૦ કલાકથી ૨૪-૦૦ કલાક સુધી શહેરના રથયાત્રા રૂટ ઉપર દ્રિચક્રી વાહનો સહિત તમામ પ્રકારનાં વાહનોને પ્રવેશ પર અને રથયાત્રાનાં રૂટ પર નો-પાકિંગ અંગેનાં પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.
આ જાહેરનામામાંથી પોલીસ ડીપાર્ટમેન્ટ, મહેસુલ ખાતુ, પી.જી.વી.સી.એલ , ફાયરબ્રીગેડ, એમ્બ્યુલન્સ તથા આવશ્યક સેવા અંગેનાં વાહનો તથા રથયાત્રામાં નિયમાનુસાર નોંધાયેલ સામેલ વાહનોને મુક્તિ આપવામાં આવે છે. સદરહું જાહેરનામાનો ભંગ/ઉલ્લંધન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ ૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાનાં અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના દરજ્જાના ન હોય તેવા અધિકારીને અધિકૃત કરવામાં આવેલ છે.
