Tuesday, September 8News That Matters

ભાવનગરના સરદારનગર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દેશભરમાં તેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. લોકોમાં યોગ પ્રત્યેની જાણકારી સાથે યોગમાં અભિરુચિ વધે અને જાગૃતતા કેળવાય તેવા વિભિન્ન કાર્યક્રમોનું પણ આયોજન થઈ રહ્યું છે. જેના ભાગરૂપે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢ તેમજ પતંજલિ યોગ સમિતિ,ભાવનગર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ભાવનગર શહેરના સરદારનગરના માતંગી મંદિર કેમ્પસ ખાતે યોગ અભ્યાસ કાર્યક્રમ યોજાયો.

આપણી ઋષિ પરંપરાથી વારસામાં મળેલ યોગને હવે સમગ્ર વિશ્વ અપનાવી રહ્યું છે ત્યારે નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં દેશના તમામ લોકો સામેલ થાય અને ઘર ઘર સુધી યોગ પહોંચે તેવા આશય સાથે સરકારના વિભિન્ન વિભાગો, સંગઠનો અને અનેકવિધ સંસ્થાઓ અને સેવાભાવી લોકો જનજાગૃતના પ્રયાસો કરી રહ્યાં છે. જેમાં લોકોમાં યોગ પ્રત્યેની અભિરુચિ વધે અને ઉચિત માર્ગદર્શન સાથે વધુને વધુ લોકો યોગ અભ્યાસ સાથે જોડાય તે માટે પતંજલિ યોગ સમિતિ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ પ્રશિક્ષકો દ્વારા થતી કામગીરી ખરેખર સરાહનીય છે એવું કહેતા કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ ભાવનગરના રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો અને પતંજલિ યોગ સાધકોનો આભાર માનતા યોગ જનજાગૃતતા અભિયાનમાં તેમની ભૂમિકાને ઘણી મહત્વની ગણાવી હતી.

પતંજલિ યોગ સમિતિના ભાવનગર જિલ્લા પ્રભારી પ્રવીણભાઈની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં પતંજલિ યોગ સમિતિ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ પ્રશિક્ષક રાજેશભાઈ ભટ્ટ દ્વારા ઉચિત જાણકારી અને માર્ગદર્શન સાથે ઉપસ્થિત લોકોને યોગ અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. આ તકે યોગ પ્રશિક્ષક રાજેશભાઈએ યોગનું મહત્વ તેમજ આસનોના લાભ જણાવવાની સાથે નિયમિત યોગ કરી નિરોગી જીવન જીવવાની પ્રેરણા પૂરી પાડી હતી.

યોગ પ્રશિક્ષકના માર્ગદર્શન હેઠળ નિયમિત યોગ કરવાથી થયેલા લાભને વર્ણવતા કાર્યક્રમમાં ઉપસ્થિત યોગ અભ્યાસુઓએ નિયમિત યોગ કરવાના અને અન્ય લોકોને પણ યોગ સાથે જોડવાના સંકલ્પ લીધા હતા.

ગુજરાત બ્યુરો ચીફ : ડો.હકીમ ઝવેરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *