હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ખારવા સમાજ વેરાવળ ખાતે ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-2005 અંતર્ગત જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ઉપસ્થિત મહેમાનોનું દિપ પ્રાગટ્ય અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને ઘરેલુ હિંસા વિશે સમજ આપી કાયદાઓની જાણકારી આપવામાં આવી હતી.

જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારીએ ઘરેલુ હિંસાની માહિતી આપી હતી તો મહિલા પોલિસ સ્ટેશન દ્વારા મહિલાઓને જાગૃત બની આવા કિસ્સાઓમાં પોલિસની મદદ લેવા માટે સમજાવ્યું હતું. આ ઉપરાંત પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર તેમજ અભયમ હેલ્પલાઈન અને વન સ્ટોપ સેન્ટર તેમજ જિલ્લા અને તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ અને જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી દ્વારા ચાલતી યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત મહિલાઓને ઉપયોગી ‘સંકટ સખી મોબાઈલ એપ્લીકેશન’ ડાઉનલોડ કરાવી તેની સમજણ આપી બેગ તેમજ પેમ્ફલેટ વિતરણ પણ કરાયું હતું

