Sunday, February 15News That Matters

પીપલોદ ખાતે ‘બનાસ કપ ૨૦૨૨-૨૩’નું ઉદ્દઘાટન કરતા ગૃહ અને રમતગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

હિન્દ ટીવી – ગુજરાતી, પીપલોદ

ગૃહ અને રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના પીપલોદ સ્થિત લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે બનાસકાંઠાના જૈન સમાજ દ્વારા આયોજિત ૩૩માં ‘બનાસ કપ ૨૦૨૨-૨૩’નો શુભારંભ કરાવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ખેલાડીઓ સાથે ક્રિકેટ રમતા દમદાર બેટિંગ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, લોકો વચ્ચે એકતા, ખેલદિલી અને પરસ્પર ભાઈચારાની ભાવના વિકસિત થાય એવા હેતુસર આયોજિત આ ટુર્નામેન્ટે ૩૨ વર્ષ પૂર્ણ કરી ૩૩મા વર્ષમાં સફળ પ્રવેશ કર્યો છે. આજના સમયમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે સોશિયલ મીડિયાથી દૂર રહી તમામ લોકો અને ખાસ કરીને યુવાધન પ્રતિદિન રમતના મેદાનમાં આવે તે જરૂરી છે. મંત્રીશ્રીએ ભવિષ્યમાં ટુર્નામેન્ટ સહિત સામાજિક કાર્યોમાં તમામ શક્ય મદદ કરવાની ખાત્રી આપીને દર વર્ષે ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવા બદલ સૌ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે, લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે આજ તા.૧૭મીથી આયોજિત રમાનાર આ ટુર્નામેન્ટ તા.૫ ફેબ્રુ. સુધી રમાશે. જેમાં રમાનાર કુલ ૫૮ મેચોમાં ૧૬ થી ૫૦ વર્ષના ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. આ વર્ષે નવી ૩ ટીમ ઉમેરાઈ ૧૭ સમાજની કુલ ૧૭ ટીમો જોડાઈ છે. આ પ્રસંગે જૈન સમાજના અગ્રણીઓ સેવંતીલાલ શાહ, ચિનુભાઈ દોશી, અમિતભાઈ શાહ, સંચાલકો, પ્રમોટર્સ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *