Sunday, February 15News That Matters

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રગતિમાં રહેલ અને ભાવી આયોજનોની તલસ્પર્શી સમીક્ષા કરતાં શિક્ષણ મંત્રી

સારા ન્યુઝ, ભાવનગર

       ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રગતિમાં રહેલ અને ભાવી આયોજનોની તલસ્પર્શી સમીક્ષા બેઠકનું આયોજન આજે બપોરે ભાવનગર મ્યુનિસપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમીટીના હોલમાં કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, નગરપાલિકા સારું કાર્ય કરી રહી છે પરંતુ તેમાં ગતિ- પ્રગતિ લાવીને લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓની પૂર્તિ કરવાં તેને પ્રાથમિકતા આપીને કાર્ય પધ્ધિતિ વિકસીત કરવી જરૂરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, અત્યારે ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે પીવાના પાણી, નવાં સંપ, નવી પાણીની ટાંકી વગેરેના કામોને પ્રાધાન્ય આપવું જોઇએ. આ ઉપરાંત ગટરના સીવેઝ પાણીના નિકાલ સહિતની વ્યવસ્થાઓ સુદ્ઢ કરવી જોઇએ. લોકો માટે નવાં બાગ બગીચાના નિર્માણ, બોર તળાવના નવીનીકરણ, ટી.પી. અને ડી.પી. ના પ્રશ્નો, શહેરના ઓવરબ્રિજ, આર.સી.સી. રોડ સહીતની બાબતોની તલસ્પર્શી સમીક્ષા તેમણે કરી હતી. મંત્રીએ નવાં થતાં કામોમાં ઝડપ લાવવાં માટે એગ્રીમેન્ટ ને બદલે એફિડેવીટ લેવાનો આગ્રહ ઉપસ્થિત અધિકારીઓને કરતાં કહ્યું કે, તેનાથી કોન્ટ્રાક્ટરને સમયસર કામ કરવાં માટેની ફરજ પડશે અને નિર્ધારિત કામ તેની સમયમર્યાદામાં પૂર્ણ થઇ શકશે. તેમણે ભાવનગરના મેયર સ્વચ્છતા પર ભાર મૂકે છે ત્યારે સમાનની સેવાભાવી સંસ્થાઓને જોડીને દર અઠવાડિયે શહેરના કોઇ એક વિસ્તારમાં સફાઇ થાય અને તેમાં જનભાગીદારીને પ્રેરિત કરવાં પર ભાર મૂક્યો હતો. આ બેઠકમાં મેયર શ્રીમતી કિર્તીબેન દાણીધારીયા, ડે. મેયરશ્રી કૃણાલકુમાર શાહ, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, શહેર ભા.જ.પા. પ્રમુખ રાજીવભાઇ પંડ્યા, ઇન્ચાર્જ કમિશનર યોગેશ નિરગુડે, ડે મ્યુનિસિપલ કમિશનર વી.એમ. રાજપૂત સહિતના કોર્પોરેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *