હિન્દ ટીવી – ગુજરાતી, ડાંગ
ડાંગ જિલ્લા સહિત ઉપરવાસમાં થયેલા અતિથી ભારે મુશળધાર વરસાદને કારણે અંબિકા અને પૂર્ણા નદીઓમાં આવેલા પૂરના પગલે પૂરગ્રસ્ત વિસ્તારોમાં સર્વ જીવમાત્રના રક્ષણ, પ્રકૃતિના સંતુલનની પુનઃસ્થાપના, અતિવૃષ્ટિની શાંતિ અને વિશ્વકલ્યાણની ભાવના સાથે ‘તેજસ્વીની સંસ્કૃતિ ધામ’ ખાતે વિશેષ શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.
બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદીના પાવન સાનિધ્યમાં યોજાયેલા આ યજ્ઞમાં ‘શિવાશ્રય તેજસ્વીની કન્યા છાત્રાલય’ની બાલિકાઓએ પ્રકૃતિ પૂજન કરીને ઈન્દ્રદેવ અને વરૂણદેવને પ્રાર્થના અર્પણ કરી હતી. દરમિયાન વિશેષ આહુતિ અર્પણ કરીને જળના અધિષ્ઠાતા દેવ વરુણદેવ અને ઈન્દ્રદેવને પ્રસન્ન કરવાની તેમજ અતિવૃષ્ટિ શાંત થાય તેવી ભાવનાથી વૈદિક વિધિ અનુસાર યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો.
આ પ્રસંગે બાલિકાઓએ વિશ્વમંગલ અને સર્વકલ્યાણ માટે ભાવપૂર્ણ પ્રાર્થના કરતાં જણાવ્યું કે, “હે ઈન્દ્રદેવ, હે વરુણદેવ ! આપ જળના સ્વામી છો. આપનું જળ સૃષ્ટિ માટે જીવનદાયી બને, વિનાશકારી નહીં. પૂરથી પીડિત તમામ માનવો, પશુ-પક્ષીઓ અને સર્વ જીવમાત્રનું રક્ષણ કરો તથા પ્રકૃતિમાં પુનઃ સંતુલન સ્થાપિત સમગ્ર સૃષ્ટિમાં શાંતિનું સ્થાપન કરો.”
યજ્ઞ દરમિયાન સમગ્ર વાતાવરણ વૈદિક મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું. ઉપસ્થિત સૌએ પૂરગ્રસ્ત ડાંગ સહિત હેઠવાસના નવસારી, વલસાડ, સુરત જિલ્લા સહિત સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારોના પરિવારોના કલ્યાણ, અતિવૃષ્ટિથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાંથી વહેલી તકે રાહત મળે તેમજ સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સ્થાપિત થાય તે માટે સામૂહિક શાંતિ પ્રાર્થના કરી હતી.
