Thursday, July 23News That Matters

અતિભારે વરસાદથી ઉમરગામના વારોલી નદી ઉપરના પુલના બે સ્પાનને નુકસાન

હિન્દ ટીવી – ગુજરાતી, વલસાડ 

   દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૪૮ કલાક દરમિયાન નોંધાયેલા અભૂતપૂર્વ વરસાદના કારણે ઉમરગામ તાલુકામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ અસાધારણ કુદરતી પરિસ્થિતિ વચ્ચે પંચાયત માર્ગ અને મકાન વિભાગ, વલસાડ હસ્તકના ઉમરગામ તાલુકાના સોળસુંબા–ભાઠી–કરમબેલી અન્ય જિલ્લા માર્ગ પર વારોલી નદી ઉપર આવેલા મેજર બ્રિજના મધ્ય ભાગના સ્પાનને નુકસાન પહોંચ્યું છે.

        વલસાડ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર ભાવેશભાઈ પટેલના જણાવ્યા મુજબ, આ પુલ ૧૮ મીટરના ૧૦ સ્પાન ધરાવતો કુલ ૧૮૦ મીટર લાંબો ટી-બીમ ગર્ડર + ડેક સ્લેબ પ્રકારનો મેજર બ્રિજ છે. તા. ૨૨ જુલાઈના રોજ ઉમરગામ તાલુકામાં અતિભારે વરસાદ નોંધાયો હતો. જેમાં મધરાતથી વરસાદ થતાં નદીમાં અત્યંત તીવ્ર પ્રવાહ અને ઐતિહાસિક પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

      નદીના પ્રચંડ પ્રવાહ અને પાણીના અસાધારણ દબાણના કારણે બ્રિજના મધ્યભાગનો એક ટી-બીમ ગર્ડર + ડેક સ્લેબ સ્પાન પોતાની મૂળ સ્થિતિમાંથી અપલિફ્ટ થઈ નદીના પ્રવાહમાં તણાઈ ગયો, જ્યારે અન્ય એક સ્પાન પણ પોતાની મૂળ સ્થિતિમાંથી ખસી ગયો હોવાનું પ્રાથમિક નિરીક્ષણમાં જાણવા મળ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ સ્થળે આજદિન સુધીનું સર્વોચ્ચ પૂરનું સ્તર પ્રથમ વખત નોંધાયું છે.

           ઘટનાની જાણ થતાં જ પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી જાહેર સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં બ્રિજ ઉપરનો વાહનવ્યવહાર તાત્કાલિક બંધ કરી બેરિકેડિંગ, ચેતવણી બોર્ડ તથા અન્ય જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. નોંધનીય બાબત એ છે કે, આ સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા બ્રિજનું વિગતવાર ટેકનિકલ મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે. પાણીનું સ્તર ઘટતાં નિષ્ણાતોની સલાહ મુજબ પુનઃસ્થાપન અને મરામત કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવશે. પંચાયત માર્ગ અને મકાન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે તથા બંધ જાહેર કરાયેલા પુલ પરથી પસાર થવાનો પ્રયાસ ન કરે.

વાહન ચાલકો માટે વૈકલ્પિક માર્ગ (Diversion) જાહેર કરાયો

     સોળસુંબા–ભાઠી–કરમબેલી રોડ પરના બ્રિજને નુકસાન થતાં વાહન વ્યવહાર માટે નીચે મુજબના વૈકલ્પિક માર્ગ જાહેર કરવામાં આવ્યા છે. (૧) ભાઠી / હુમરણ તરફ જવા માટે : સંજાણ–આમગામ મુખ્ય જિલ્લા માર્ગ, ભીલાડ–સંજાણ–ઉમરગામ સ્ટેટ હાઇવે, સોળસુંબા–ટેંભી મુખ્ય જિલ્લા માર્ગ અને સોળસુંબા–ગંગાદેવી રેલવે ફાટકથી ભાઠી–કરમબેલી રોડને જોડતો ગ્રામ્ય માર્ગ છે. આ માર્ગ દ્વારા અંદાજે ૯ કિ.મી.નો ફેરાવો થશે.(૨) સંજાણ / ભીલાડ તરફ જવા માટે : સોળસુંબા–ગંગાદેવી રેલવે ફાટકથી ભાઠી–કરમબેલી રોડને જોડતો ગ્રામ્ય માર્ગ, સોળસુંબા–ટેંભી મુખ્ય જિલ્લા માર્ગ અને ભીલાડ–સંજાણ–ઉમરગામ સ્ટેટ હાઇવે મારફતે આગળ જવું. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *