Thursday, July 23News That Matters

વલસાડના હિંગળાજ ગામે ઝીંગા તળાવ વિસ્તારમાં ફસાયેલા ૨૦ થી ૨૫ લોકોનું એસડીઆરએફ દ્વારા રેસ્ક્યૂ

હિન્દ ટીવી – ગુજરાતી, વલસાડ

   વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા અતિભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલા હિંગળાજ ગામમાં ઝીંગાના તળાવ એરિયામાં ફસાયેલા ૨૦ થી ૨૫ જેટલા લોકોનું સફળ રેસ્કયુ કરાયુ છે. 

વલસાડ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ પાસેથી મળતી વિગત મુજબ, વલસાડ તાલુકાના હિંગળાજ ગામે આવેલા ઝીંગા તળાવના વિસ્તારમાં ગઈ રાત્રિથી આશરે ૨૦થી ૨૫ લોકો પાણીમાં ફસાયેલા હોવાની માહિતી મળતા એસડીઆરએફની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. પાણીનો પ્રવાહ વધુ હોવાથી બોટની મદદથી વારાફરતી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ બચાવ કામગીરી દરમિયાન તમામ ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. 

રેસ્ક્યૂ કરાયેલા નારણભાઈ પિતાંબર ટંડેલ અને અસલમ ખાને જણાવ્યું કે, તેઓ ગત રાત્રિથી પાણીમાં ફસાયેલા હતા. એસડીઆરએફની ટીમે સમયસર પહોંચી અમને સુરક્ષિત રીતે બહાર કાઢતા હવે અમે રાહત અનુભવી રહ્યા છે. તેમણે બચાવ કામગીરી માટે એસડીઆરએફની ટીમ અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્યો હતો. 

નોંધનીય છે કે, જિલ્લાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સતત બચાવ અને રાહત કામગીરીમાં વ્યસ્ત છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને નદી, તળાવ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ માત્ર તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *