હિન્દ ટીવી – ગુજરાતી, ગાંધીનગર
ગાંધીનગર જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખતા, ગાંધીનગર જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, સમગ્ર ગાંધીનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓને પગલે ‘રેડ એલર્ટ’ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી હોય, તમામ નાગરિકોએ પૂરતી સાવચેતી વર્તવી અને કોઈ પણ વ્યક્તિએ બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવું નહીં. વહીવટી તંત્ર દ્વારા આ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને સંવેદનશીલ વિસ્તારોમાં મોકલી દેવામાં આવી છે.
વરસાદના કારણે જો કોઈ પણ રોડ રસ્તા બંધ થશે તો તેને તાત્કાલિક અસરથી ખોલી વાહનવ્યવહાર પુનઃ શરૂ કરવાનો તંત્ર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવશે. માટે કોઈપણ પરિસ્થિતિમાં ગભરાયા વગર તંત્રને સહયોગ કરવા કલેકટર એ જણાવ્યું હતું.
આ ઉપરાંત, કોઈ પણ કટોકટી કે ઈમરજન્સી પરિસ્થિતિ ઊભી થાય તો અફવાઓ પર વિશ્વાસ ન કરતા નાગરિકોએ તરત જ જિલ્લા કંટ્રોલ રૂમ અથવા સ્થાનિક કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા પણ જિલ્લા કલેકટર દ્વારા વિનંતી કરવામાં આવી છે.
