હિન્દ ટીવી – ગુજરાતી, સુરત
સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં આયોજિત ચાર દિવસીય રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા-૨૦૨૫નો પ્રારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો. આ મેળો માત્ર આદિવાસી ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ સુધી સીમિત ન રહી શિક્ષણ, સંસ્કૃતિ અને સ્વરોજગારને જોડતું એક પ્રેરણાદાયી મંચ બન્યો છે.
મેળામાં નવસારી જિલ્લાના મીયાંઝરી પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી વારલી પેઇન્ટિંગનો વિશેષ સ્ટોલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે વ્યવસાયિક કૌશલ્યનો અનુભવ અપાવવા માટે સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત દર શનિવારે ‘બેગલેસ ડે’ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં બાળકોને આનંદદાયી અને અનુભવજન્ય શિક્ષણ મળે તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.
