Sunday, February 15News That Matters

વેરાવળ પંચાયત રાજકોટ જિલ્લામાં અવ્વલ

હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ

    રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ ગામમાં રહેતા કારખાનાના શ્રમિક વિજયભાઈ વાઘેલાને આવકનો દાખવો કઢાવવો છે. દિવસે કારખાનાનું કામ હોય, જો બીજા કોઈ ગામમાં રહેતા હોત તો કપાત પગારે રજા પાડી, દાખલા માટે દિવસે દોડાદોડી કરવી પડી હોત. પરંતુ તેમને ખબર છે કે, વેરાવળ ગ્રામ પંચાયત નાગરિકોની સેવા માટે દરરોજ રાતે મોડે સુધી ખુલ્લી રહે છે. આથી તેમને નિરાંત છે અને કપાત પગારે રજા પાડવાની જરૂર નથી. રાતે તે જમીને આરામથી પંચાયત કચેરી જાય છે. સ્ટાફ સહર્ષ દાખલો કાઢી આપે છે અને તલાટીની સહી પછી, રાતે સાડા આઠ વાગ્યે તેને આવકનું પ્રમાણપત્ર મળી જાય છે.

સામાન્ય રીતે ગ્રામ પંચાયત કે સરકારી કચેરીનો સમય સવારે ૧૦.૩૦થી સાંજ ૬.૧૦નો હોય છે. પરંતુ વેરાવળ ગ્રામ પંચાયત નાગરિકોની સેવા માટે દિવસે રોજિંદા સમયની સાથે રાતે ૧૦ કે ૧૦.૩૦ સુધી ચાલુ રહે છે. આથી ગામમાં રહેતા કામદારો, ખેડૂતો, નાગરિકો દિવસે પોતાના કામ પતાવીને રાતે આરામથી પંચાયતની સેવાઓ લઈ શકે છે.

સરપંચ રવિરાજસિંહ જાડેજા જણાવે છે કે, વેરાવળ પંચાયત વિસ્તારની વસતી આશરે ૬૫ હજાર જેટલી છે. આ વિસ્તારમાં લઘુ ઉદ્યોગોની સંખ્યા મોટી છે અને ગામમાં કારખાનાના શ્રમિકોની સંખ્યા વધુ છે. પંચાયતની સેવાઓ માટે શ્રમિકોને કપાત પગારની રજા ના પાડવી તે હેતુથી રાતે મોડે સુધી પંચાયત ખુલ્લી રાખવામાં આવે છે. મહિનામાં આશરે ૨૦૦૦થી ૨૫૦૦ નાગરિકો રાત્રિ સેવાનો લાભ લે છે. ૭ માર્ચ ૨૦૨૪ના રોજ ગ્રામ પંચાયતના નવા બિલ્ડિંગનું લોકાર્પણ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાના હસ્તે થયું હતું. ત્યારથી તલાટી તેમજ સ્ટાફ સાથે મળીને, સામાન્ય નાગરિકોની સેવા માટે રાતે મોડે સુધી પંચાયત ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

લોકો સુવિધાઓને લગતી ફરિયાદો કરી શકે તે માટે હેલ્પલાઈન નંબર ૯૭૧૨૨, ૯૯૨૯૮ જારી કરવામાં આવ્યો છે. લોકો એસ.એમ.એસ. કે વોટ્સએપ પર ફોટો-વીડિયો-મેસેજ મોકલીને ફરિયાદ કરી શકે છે. રાજકોટ જિલ્લામાં ઈ-શ્રમ કાર્ડની કામગીરીમાં વેરાવળ પંચાયત પ્રથમ સ્થાને રહી છે. વેરાવળમાંથી ૩૮૧૬ ઈ-શ્રમકાર્ડ નીકળ્યા છે. પંચાયત તરફથી કાર્ડની કલર પ્રિન્ટ કાઢીને, લેમિનેશન કરીને શ્રમિકોને આપવામાં આવે છે. ઉપરાંત ૪૯૪૨ રાશનકાર્ડ ઈ-કેવાયસી સાથે વેરાવળ પંચાયત રાજકોટ જિલ્લામાં અવ્વલ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *