હિન્દ ટીવી – ગુજરાતી, જામનગર
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત ખેલમહાકુંભ ૩.૦ ની રાજ્યકક્ષાની ફેન્સીંગ સ્પર્ધા જામનગરમાં ચાલી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર જામનગર અને જામનગર મહાનગરપાલિકાના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર દ્વારા આ સ્પર્ધાનું આયોજન જામનગર મહાનગરપાલીકા સ્પોર્ટસ કોમ્પલેક્ષના ઇન્ડોર હોલ ખાતે તા.૨૫/૦૪/૨૦૨૫ થી તા.૦૫/૦૫/૨૦૨૫ દરમિયાન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધા અંતર્ગત તા.૨૬/૦૪/૨૦૨૫ ના રોજ અંડર-૧૪ વય જૂથની બહેનો માટે યોજાયેલી ત્રણ ઇવેન્ટ ઇપી, ફોઈલ અને સેબરની ફાઈનલ મેચો યોજાઈ હતી. આ રોમાંચક ફાઈનલ મેચોને નિહાળવા અને ખેલાડીઓનું મનોબળ વધારવા ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર શ્રી ક્રિષ્નાબેન સોઢા અને જામનગર મહાનગરપાલિકા રમત ગમત સમિતિના ચેરમેન જીતેશભાઈ શિંગાળા ઉપસ્થિત રહ્યા હતા.
અંડર-૧૪ ઇપી ઇવેન્ટની ફાઈનલમાં ગાંધીનગરની ખાતન પારૂલે પ્રથમ સ્થાન મેળવી સુવર્ણ ચંદ્રક જીત્યો હતો, જ્યારે સાબરકાંઠાની પટેલ જેન્સીએ દ્વિતીય સ્થાન મેળવી રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. ત્રીજું સ્થાન સાબરકાંઠાની ઝાંખડીયા શિલ્પા અને ગાંધીનગરની ઉમાવત ચાંદ્રાએ સંયુક્ત રીતે મેળવીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.
અંડર-૧૪ ફોઈલ ઇવેન્ટમાં સાબરકાંઠાની ચૌધરી જેનીસે પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો, જ્યારે સાબરકાંઠાની લકુમ શ્રુષ્ટિએ બીજું સ્થાન મેળવી સિલ્વર મેડલ જીત્યો હતો. જૂનાગઢની હીરપરા અંજલી અને જામનગરની વાનાણી જલ્પાએ ત્રીજું સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
અંડર-૧૪ સેબર ઇવેન્ટની ફાઈનલમાં જુનાગઢની હડિયા વેદીતાએ પ્રથમ સ્થાન મેળવી સુવર્ણ ચંદ્રક જીત્યો હતો, જ્યારે સાબરકાંઠાની સોલંકી જયશ્રીએ દ્વિતીય સ્થાન મેળવી રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. ત્રીજું સ્થાન રાવલ ધરતી અને સોની વૃષ્ટિ (મહેસાણા) એ સંયુક્ત રીતે મેળવીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.
જામનગરમાં ચાલી રહેલા ખેલમહાકુંભ ૩.૦ ની રાજ્યકક્ષાની ફેન્સીંગ સ્પર્ધામાં યુવા ખેલાડીઓ ભારે ઉત્સાહ દાખવી રહ્યા છે. તાજેતરમાં યોજાયેલી અંડર-૧૪ બહેનોની ફાઈનલ મેચોમાં ખેલાડીઓએ પોતાની શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા અને જામનગર મહાનગરપાલિકા રમત ગમત સમિતિના ચેરમેન જીતેશભાઈ શિંગાળાએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને વિજેતાઓને મેડલ તેમજ ટ્રેકશૂટ આપીને સન્માનિત કર્યા હતા. આ સ્પર્ધા આગામી તા.૦૫/૦૫/૨૦૨૫ સુધી ચાલશે, જેમાં અન્ય વય જૂથના ખેલાડીઓ પણ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે.
