હિન્દ ટીવી- ગુજરાતી, બોટાદ
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દેશવાસીઓ સાથે આત્મીય સંવાદના અનન્ય અને અનોખા કાર્યક્રમ “મન કી બાત”ની 121મી કડી અવસરે શૌર્યભૂમિ ધંધુકા (જિ. અમદાવાદ) સ્થિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય ખાતે રાજ્યકક્ષાનો સમૂહ-શ્રવણ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દયી હત્યાકાંડમાં પોતાનો જીવ ગુમાવનાર ભારતવાસીઓને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યાં હતાં. સદ્ગતોની પુણ્યસ્મૃતિમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રેરક કાર્યક્રમનું સંયોજન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ તકે ઉપસ્થિતોએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય, લીમડો સ્મૃતિ સ્થળ અને ચારણ-કન્યા વાટિકાની પણ મુલાકાત લીધી હતી. લોકગાયક અભેસિંહ રાઠોડે ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય અને દેશપ્રેમનાં ગીતોનાં હ્રદયસ્પર્શી આસ્વાદ થકી ઉપસ્થિત સહુને ડોલાવી દીધાં હતાં.
આ કાર્યક્રમમાં રાજકોટ લોકસભા સાંસદ અને ભારત સરકારના પૂર્વ મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા, ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી અને પૂર્વ ધારાસભ્યો ભરતભાઈ પંડ્યા અને લાલજીભાઈ મેર, વઢવાણના પૂર્વ ધારાસભ્ય, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને મન કી બાતના પ્રદેશ ઈન્ચાર્જ વર્ષાબેન દોશી, લોકગાયક અને સંસ્કાર ભારતી (ગુજરાત પ્રાંત)ના અધ્યક્ષ અભેસિંહ રાઠોડ, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઈ દાવડા, પૂર્વ પ્રમુખ અને મન કી બાતના જિલ્લા ઈન્ચાર્જ આર. સી. પટેલ, ધંધુકા નગરપાલિકાના પ્રમુખશ્રી પારૂલબેન આદેસરા, ઉપપ્રમુખ ગજરાબેન ચૌહાણ અને કારોબારી ચેરમેન રાજેશભાઈ પરમાર, કાર્યક્રમના સંયોજનના સહયોગીઓ સહદેવસિંહ ગોહિલ સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓની અને નગરજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી. યુવાનો અને બહેનોની વિશેષ હાજરી હતી.
