Sunday, February 15News That Matters

વેરાવળ સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય લેનાર ઉજ્જૈનની મહિલાનું પરિવાર સાથે મિલન

હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ

મહિલા અને બાળ વિકાસ વિભાગ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વેરાવળ ખાતે રાજેન્દ્ર ભુવન રોડ પર સખી વન સ્ટોપ સેન્ટર ૨૪ કલાક કાર્યરત રહે છે. આ સેન્ટરમાં હિંસાથી પીડિત મહિલાઓને એક જ છત્ર નીચે પાંચ પ્રકારની સેવા આપવામાં આવે
છે. જેમાં કાયદાકીય, તબીબી, પોલીસ, મનોવૈજ્ઞાનિક કાઉન્સિલિંગ, હંગામી ધોરણે આશ્રયનો સમાવેશ થાય છે.

૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા રેલવે સ્ટેશન પર કેરોસીન છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કરતી મહિલાને બચાવી આશ્રય સહાય માટે સખી વન સ્ટોપ સેન્ટરમાં મૂકી ગયા હતા. સેન્ટરમાં જ્યારે આ બહેન આવ્યા ત્યારે તેમની માનસિક સ્થિતિ કઈ પણ માહિતી આપી શકે તેવી પરિસ્થિતિમાં ન હતી. આથી તેમને થોડા સમય માટે આરામની જરૂરિયાત હોય તેથી તેમને આશ્રય સહાય આપી હતી. ત્યારબાદ તેમને તબીબી સહાયમાં મનોવૈજ્ઞાનિક કાઉન્સિલિંગ કરી તેમની પાસેથી તેમના પરિવારની તેમજ તેમના રહેઠાણની માહિતી મેળવતા મહિલા મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈન જિલ્લાના વતની હોવાનું જણાતા ઉજ્જૈન પોલીસ સ્ટેશન ચીમનગંજનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનનો સંપર્ક થયા બાદ આ મહિલાની તમામ વિગતો આપી હતી તેમજ તેમના પરિવારની શોધખોળ કરવા માટે મદદ મેળવવામાં આવી હતી.

ચીમનગંજ પોલીસ સ્ટેશન દ્વારા પરિવારનો ટેલીફોનિક સંપર્ક કરીને મહિલાના પરિવારજનોને ગીર સોમનાથ સખીવન સ્ટોપ સેન્ટર આવવા માટે રવાના કરવામાં આવ્યાં હતાં. મહિલાના પરિવારના ટેલિફોનિક સંપર્કમાં રહીને સખી વન સ્ટોપ સેન્ટર સુધી પહોંચ્યા હતાં. મહિલાના પરિવારના સભ્યો પતિ તેમજ તેમના સસરાના કહેવા મુજબ મહિલા કોઈને પણ જાણ કર્યા વગર ઘરેથી ગુમ થઇ હતી અને જેની શોધખોળ તેઓ તેમના પરિવાર સગા સંબંધીમાં તેમજ તેમના વિસ્તારના દરેક જગ્યાએ કરતા હતાં. પરંતુ મળી આવેલ ન હોય તેમજ તેઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં ગુમની ફરિયાદ પણ કરવામાં આવી હતી. મહિલાના પરિવારના સભ્યોને સખી વન સ્ટોપ સેન્ટરમાં ગીર સોમનાથ હોવાની જાણ થતા અને અરજદાર બહેનને સહી સલામત જોતા પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *