Sunday, February 15News That Matters

પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધિ: સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામના બે ખેડૂત ભાઈઓની પ્રેરણાદાયક કૃષિ સફર

હિન્દ ટીવી – ગુજરાતી, સુરત

                  પ્રકૃતિના સંરક્ષણ અને ખેતીની નવી પદ્ધતિઓનો સમન્વય કરીને ગુજરાત રાજ્ય પ્રાકૃતિક ખેતીમાં આગેવાની લઈ રહ્યું છે. સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામના બે ખેડૂત ભાઈઓ; શૈલેષભાઈ પટેલ અને વિજયભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી અપનાવીને પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ૨૮ વીઘા જમીનમાં મલ્ટીલેયર ખેતી કરીને વર્ષના રૂ.૩૫ લાખની આવક મેળવીને સાબિત કર્યું કે પ્રાકૃતિક ખેતી અર્થપ્રદ તેમજ લાભદાયી છે. શૈલેષભાઈ પટેલ અને વિજયભાઈ પટેલે પાંચ વર્ષ પહેલાં રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. તેમણે આ અંગે જણાવ્યું કે, વર્ષોથી રાસાયણિક ખેતી કરીને જમીનમાં શેરડી ઉગાડતા હતા.

              રાસાયણિક ખાતર અને જંતુનાશકો વિના પણ ખેતી કરી શકાય છે, તેવી કલ્પના પણ કરી ન હતી. વર્ષ ૨૦૧૭ સુધી ખેતીમાં સામાન્ય નફો અને ટૂંકી આવક મેળવતા હતા, આવી ખેતીને ખોટનો સોદો કહેવાય પણ આ ખેતી સિવાય અમારી પાસે રોજગારનો બીજો વિકલ્પ ન હતો. પરંતુ કહેવાય છે કે સારા લોકોનો સંગાથ અથવા યોગ્ય જ્ઞાન વ્યક્તિની વિચારસરણી મોટું પરિવર્તન લાવી શકે છે. અમારી સાથે પણ આવું જ બન્યું, પલસાણા તાલુકાના અંભેટી ગામના ખેડૂત મિત્ર કમલેશભાઈ પટેલ પ્રાકૃતિક ખેતીની શિબિરમાં મળ્યા તેમણે યોગ્ય માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતી પર ધ્યાન આપવા કહ્યું. તેમનાથી પ્રેરાઈ ૧ વીઘામાં પ્રયોગાત્મક આ ખેતી શરૂ કરી. આ પ્રયોગ સફળ થતા ૨૮ વીઘા જમીનમાં આ ટેકનિક અપનાવી પ્રાકૃતિક ખેતીના શ્રીગણેશ કર્યા. બંન્ને ખેડૂત ભાઈઓએ મલ્ટીલેયર ખેતીમાં શેરડી, સરગવો, ફૂલેવર, ભીંડા, તુરીયા, ગલગોટાં, રીંગણ વગેરે પાકનો સમાવેશ કર્યો છે.. વિજયભાઈ પટેલના જણાવ્યા મુજબ, મલ્ટી લેયર ખેતીમાં જમીન ખેડવાની જરૂર પડતી નથી અને અલગ-અલગ પાક સાથે અનાજ, કઠોળ, શાકભાજી તથા ફળોની ખેતી કરવામાં આવે છે.

                રાસાયણિક ખેતીમાં એક એકર જમીનમાં જ્યાં રૂ. ૨૮,૦૦૦નો ખર્ચ થતો હતો, ત્યાં પ્રાકૃતિક ખેતીમાં માત્ર રૂ. ૨,૦૦૦નો જ ખર્ચ થાય છે. આ ખેતીના ફાયદાઓમાં ઓછો ખર્ચ, ઊંચી આવક, શુદ્ધ ઉત્પાદનો, પર્યાવરણની સંભાળ અને જમીનની ફળદ્રુપતાનું જતન થાય છે. પ્રાકૃતિક ખેતીના ફાયદા વિશે વાત કરતાં શૈલેષભાઈ પટેલ કહે છે કે, આ ખેતીમાં મહેનત વધુ છે, પરંતુ આ મોડલ જમીન માટે લાભદાયી છે. જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા વધે છે, અને લાંબા ગાળે જમીન બંજર થતી નથી. પાકમાં રાસાયણિક અશુદ્ધતાઓના અભાવને કારણે સ્વાસ્થ્યને રક્ષણ મળે છે.

               તેમણે સરકારી સહાય વિશે કહ્યું કે, ગુજરાત સરકારની વિવિધ યોજનાઓથી પ્રોત્સાહન મેળવીને અમે બંન્ને ખેડૂતભાઈઓએ ખેતી સાધનોમાં સુધારાઓ કર્યા છે. સરકાર દ્વારા મિની ટ્રેક્ટર માટે રૂ.૬૦,૦૦૦ અને મોટા ટ્રેક્ટર માટે રૂ.૧.૬૦ લાખ સબસિડી પાપ્ત થઈ છે. આ સાથે, સરકારના સહકારથી ખેતીને વધુ આધુનિક બનાવી શકયા છીએ. દેલાડવા ગામના પટેલ ભાઈઓએ પ્રાકૃતિક ખેતીમાં મેળવેલ સફળતાથી દક્ષિણ ગુજરાત સહિત તમામ ખેડૂતો માટે પ્રેરણાદાયી દાખલો બેસાડ્યો છે. તેમના પ્રયત્નો દર્શાવે છે કે પરંપરાગત પદ્ધતિઓમાં નવી ટેક્નિક્સનો સમન્વય કરીને ખેતીને પોષણક્ષમ અને ફળદાયી બનાવી શકાય છે. આ કૃષિ મોડલને કારણે હવે સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતી વેગવંતી બની છે, અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આ મોડલ અપનાવવા માટે પ્રેરણા મળે છે. ઓછી જમીનમાં વધુ પાકોનું વાવેતર એટલે મલ્ટીલેયર ફાર્મિંગ અને એમાં પણ પ્રાકૃતિક કૃષિનો વિનિયોગ થવાથી ખૂબ ઉત્સાહજનક પરિણામો મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *