હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ
સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે દિવ્યાંગોને મુખ્ય ધારામાં આગળ ધપાવવા, તેમને સમજવા અને તેમના પ્રત્યે તા. ૩ ડિસેમ્બરને ‘આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૨૦૨૪ની થીમ ‘સમાવિષ્ટ અને ટકાઉ ભવિષ્ય માટે દિવ્યાંગ વ્યક્તિઓના નેતૃત્વને વધુ વિસ્તૃત બનાવવું’ રાખવામાં આવી છે.
ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં દિવ્યાંગોના સામાજિક અને આર્થિક વિકાસ માટે અનેકવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે. ગુજરાત સરકારે દિવ્યાંગ ઓળખકાર્ડ, એસ.ટી. બસમાં મફત મુસાફરી યોજના, દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, સંત સુરદાસ યોજના, ઈન્દિરા ગાંધી નેશનલ ડિસેબલ પેન્શન સ્કીમ, દિવ્યાંગ સાધન સહાય યોજના, મનોદિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવાની યોજના જેવી અનેક કલ્યાણકારી યોજનાઓ કાર્યાન્વિત છે.
દિવ્યાંગ સાધન સહાય યોજનાના લાભાર્થીશ્રી વિજયાગૌરીબેન હિંગુ જણાવે છે કે, હું રાજકોટમાં રહું છું, મને જન્મજાત પગમાં ખામી છે. મને સમાજ સુરક્ષા અધિકારીની કચેરી તરફથી ગરીબ કલ્યાણ મેળામાં દરજી કામ માટે સિલાઈ મશીન મળ્યું છે, એ પણ તદ્દન નિઃશુલ્ક… હું સિલાઈ મશીન વડે કપડાં સાંધવાનું કામ કરું છું. સરકારનો આભાર કે સિલાઈ મશીનથી નાનું-મોટું કામ કરીને થોડી-ઘણી કમાણી કરી લઉં છું, તો આર્થિક ટેકો મળી જાય છે અને મારે કોઈ પાસે હાથ લંબાવવો પડતો નથી.
