હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાઉતે ચક્રવાતથી અસરગ્રસ્ત ગીર સોમનાથ જિલ્લામાં ૧૧ લાખ વૃક્ષારોપણનો સંકલ્પ લીધો હતો. આ સંકલ્પ આઝાદીના અમૃતકાળમાં વડાપ્રધાનની કૃષિ અને જગતના તાત પ્રત્યેની સંવેદના અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ લાગણી અભિવ્યક્ત કરે છે. ઉપરાંત ગ્લોબલ વોર્મિંગના કારણે સમગ્ર વિશ્વમાં આભથી લઈ ધરા સુધી વાતાવરણમાં ફેરફાર માનવજીવનને પરેશાન કરી રહ્યાં છે. આ ગ્લોબલ વોર્મિંગના રાક્ષસને નાથવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ હેઠળ પર્યાવરણ ક્ષેત્રે શ્રી સોમનાથ ટ્રસ્ટ હરિત કામગીરી કરી ‘ગ્રીન ગુજરાત‘ અન્વયે પોતાનો સિંહફાળો આપી રહ્યું છે.
તજજ્ઞોના મતે સમગ્ર વિશ્વમાં આવતી આપત્તીઓના મૂળ કારણમાં ગ્લોબલ વોર્મિંગ રહેલું છે. ગ્લોબલ વોર્મિંગ કુદરતી પર્યાવરણ અને માનવજીવન એમ બન્ને પાસા પર વિપરિત અસર પહોંચાડે છે. ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઈમાં અત્યાર સુધીમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રાકૃતિક રીતે રોપાઓનો ઉછેર કરી ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તથા ગીરગઢડા અને સુત્રાપાડા તાલુકાના ગામોમાં કેસર કેરીની કલમ સહિત આંબા, અન્ય ફળાઉ વૃક્ષો, બિલ્વવૃક્ષો મળી કુલ ૧.૫૦ લાખ રોપાનું વિતરણ કરી ખેડૂતોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવેલ છે.
સોમનાથ ટ્રસ્ટનું આગામી લક્ષ્યાંક તાઉતેથી સર્જાયેલી ખાનાખરાબીની સરખામણીમાં ૧૦૦ ગણાં વધારે વૃક્ષો લગાવીને જિલ્લાની આવક ૨૫૦ કરોડ સુધી વધારવાનું છે. ખેડૂતોને ફળદાર વૃક્ષના રોપા ઉપરાંત પશુ-પક્ષીઓને ઉપયોગી એવા ચીકુ, જામફળ, સીતાફળ વગેરેનું વિતરણ પણ કરવામાં આવશે ઉપરાંત સનાતન સંસ્કૃતિમાં જેનો ઉલ્લેખ છે એવા બીલીપત્ર, પીપળો, ઉમરો, વડ વગેરે પવિત્ર વૃક્ષના રોપાઓનું પણ વિતરણ કરવામાં આવશે. આ ફળાઉ વૃક્ષોના ઉછેરથી ખેડૂતોને પણ આર્થિક લાભ થાય તેવો શ્રી સોમનાથ ટ્રસ્ટનો શુભહેતુ છે.

જે ખેડૂતોએ વૃક્ષો માટેના રોપા મેળવવા માટે અગાઉ ફોર્મ ભરેલ છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓની ટીમ તેમનો સંપર્ક કરી વૃક્ષારોપણ માટેના રોપા આપી રહ્યાં છે. આ સાથે જ જે લાભાર્થીઓને ટ્રસ્ટ તરફથી નિઃશુલ્ક રોપા મળે તેને ભગવાન સોમનાથની પ્રસાદીરૂપે ગ્રહણ કરવાની સાથે જ જતન અને માવજતથી સારી રીતે ઉછેર કરવા સોમનાથ ટ્રસ્ટ આગ્રહભરી વિનંતી કરે છે.
