અમદાવાદ જિલ્લા કલેક્ટરની જમીન-મહેસૂલ સંબંધી તકરારી કેસોના નિકાલ માટે મહાઝુંબેશ
by Admin Admin
હિન્દ ટીવી – ગુજરાતી, અમદાવાદ
અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા છેલ્લાં પાંચ વર્ષોથી પેન્ડિંગ રહેલા જમીન-મહેસૂલ સંબંધી તકરારી કેસોના ઝડપી નિરાકરણ-નિકાલ માટે મહાઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સામાન્ય લોકોને ઝડપી ન્યાય મળે એવા ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશને સફળ બનાવવા માટે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સંકલ્પબદ્ધ છે. અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર તરીકે પદભાર સંભાળ્યા પછી ડૉ. ધવલ પટેલ દ્વારા જમીન મહેસૂલ નિયમો અન્વયે દાખલ થયેલા મહેસૂલ સંબંધી RTS અપીલ અને રીવીઝન કેસોની વિગતો મેળવવામાં આવી. વર્ષ 2017 એટલે કે છેલ્લાં પાંચ વર્ષથી આશરે 4200 જેટલા RTS અપીલ/રીવીઝન કેસો પેન્ડિંગ હતા. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનમાં આ કેસોમાં લોકોને ઝડપી ન્યાય મળે એ માટે ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી અને ચૂંટણીની કામગીરી વચ્ચે પણ 3590 કેસોમાં 32000 જેટલા પક્ષકારોને નોટિસ પાઠવવામાં આવી. એક નોટિસ થકી કેસોની ચાર મુદ્દત પણ આપવામાં આવી. આ મહાઝુંબેશને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર પ્રયાસરત છે અને 150-200 કર્મચારીઓ અને અધિકારીઓ આ ઝુંબેશને સફળ બનાવવા પ્રયાસરત છે. જિલ્લા કલેકટરશ્રી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર તા.૩૧/૧૨/૨૦૨૨ના રોજ જિલ્લા કલેકટર, અમદાવાદ દ્વારા શેઠ સી.એન.વિદ્યાલય, આંબાવાડી, અમદાવાદ ખાતે કલેકટર, અમદાવાદ સમક્ષના કુલ- ૩૫૯૦. RTS અપીલ/રીવીઝન કેસોના નિકાલ માટે ઝુંબેશના સ્વરૂપમાં કામગીરી હાથ ધરવામાં આવેલ જેમાં સવારે ૧૨:૩૦ કલાકથી ૦૨:૩૦ કલાક તેમજ બપોરના ૦૩:૦૦ કલાકથી ૦૫:૩૦ કલાક સુધી એમ બે તબક્કામાં આશરે ૮૦૦૦ પક્ષકારો/ વકીલઓ હાજર રહ્યા હતા. આમ, આ ઝુંબેશને પક્ષકારો અને લોકો તરફથી પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.
સી.એન. વિદ્યાલય ખાતે કેસોના ઝડપી નિકાલની કામગીરીમાં ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા, નિવાસી અધિક કલેકટર સુધીર પટેલ, અધિક નિવાસી નાયબ કલેક્ટર ડૉ. વિમલ જોશી, નાયબ કલેક્ટર, જમીન સુધારણા અને અપીલ વિમલ પટેલ, સિટી ડેપ્યૂટી કલેક્ટર ઉમંગ પટેલ અને વિપુલ ઠક્કર અને જિલ્લા પુરવઠા અધિકારી એ. ડી.જોશી સહિત ઉચ્ચ અધિકારીઓએ આ ઝુંબેશને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. મહેસૂલી કેસોના ઝડપી નિવારણ માટે ઝુંબેશ ચલાવીને અમદાવાદના જિલ્લા કલેક્ટરએ સુશાસનનું આગવું ઉદાહરણ રજૂ કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઝુંબેશના કેસોની આગામી મુદ્દત તા.૦૭/૦૧/૨૦૨૩, તા.૨૧/૦૧/૨૦૨૩ તથા તા.૦૪/૦૨/૨૦૨૩ ના રોજ શેઠ સી.એન.વિદ્યાલય, આંબાવાડી, અમદાવાદ ખાતે રાખી છે.