હિન્દ ટીવી – ગુજરાતી, ભુજ
વડાપ્રધાન અને મુખ્યમંત્રી દેશનું ભાવિ સશક્ત બને તે માટે પ્રયત્નશીલ છે તેના ભાગરૂપે જ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ રાજ્યભરમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે એક પણ બાળક પ્રવેશ વગર રહી ન જાય તેમજ બાળકોમાં સંસ્કાર અને ચારિત્ર્યનું યોગ્ય નિર્માણ થાય એ જોવાની જવાબદારી શિક્ષકોની છે એવું ભુજ તાલુકાના મિરઝાપરની બે તથા સુખપરની ત્રણ શાળાના ૧૮૯ બાળકો તથા બંને ગામના ૬૦ આંગણવાડીના ભુલકાઓને શાળા પ્રવેશોત્સવ કરાવતા સમયે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું.
મીરઝાપર કન્યાશાળામાં ૪૦ બાળકો, કુમારશાળામાં ૩૫ તથા આંગણવાડીમાં ૪૭ ભુલકા તથા સુખપર ગામની સરકારી કન્યા શાળા.૨માં ૪૯, કુમાર શાળા નં.૨માં ૪૫, કન્યા શાળા નં.૧માં ૨૦ તથા આંગણવાડીમાં ૧૩ બાળકોએ વિધાનસભા અધ્યક્ષાના હસ્તે મીઠુ મોઢું કરીને વાજતેગાજતે પ્રવેશ મેળવ્યો હતો. આ તકે અધ્યક્ષાએ બાળકોની આંગળી પકડીને શાળામાં પ્રથમ ડગ મંડાવ્યા હતા. તેમણે બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ સાથે તેજસ્વી તારલાઓનું સન્માન પણ કર્યું હતું. બાલુડાઓને શાળામાં પ્રવેશ કરાવતા તેમણે જણાવ્યું હતું કે, શાળાએ બાળકોનું બીજું ઘર છે. માતા-પિતા બાળકોને શિક્ષકો પાસે એક વિશ્વાસ સાથે સોંપે છે ત્યારે બાળકોનું યોગ્ય ઘડતર કરવાની તેમજ સશક્ત દેશના નિર્માણ માટે આગામી પેઢીનું ઉત્તમ ચારિત્ર્ય ઘડતર કરવાની જવાબદારી શિક્ષકોની છે. બાળકોનું જેટલું સંસ્કાર સિંચન કરશો તે મુજબ તે ગુણવાન અને સશક્ત બનશે. સરકાર શાળામાં તમામ સુવિધાઓ આપી રહી છે ત્યારે શિક્ષકોએ નિષ્ઠાપૂવર્ક પોતાની ફરજ નિભાવવી જોઈએ. વાલીઓને બાળકોને સ્વચ્છતાના પાઠ ભણાવવા તથા શાળાએથી બાળક ઘરે આવે ત્યારે સ્કૂલની સમગ્ર દિનચર્યાની પૃચ્છા કરવા અનુરોધ કર્યો હતો , જેથી તેઓ શાળાની પ્રવૃત્તિથી સજાગ અને સક્રિય રહે. આ સાથે કન્યાઓને ખાસ શાળાએ મૂકી તેઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરિત કરવા તેમને વાલીઓને જણાવ્યું હતું. આ તકે ઉપસ્થિત ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો બહોળા પ્રમાણમાં લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો. અધ્યક્ષાએ બાળકો સાથે વાર્તાલાપ કરીને ખૂબ મન લગાવીને અભ્યાસ કરવા, માતા-પિતા તથા ગુરૂજનોને માન-સન્માન આપવાની શીખ આપી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ઉદાહરણ આપીને જીવનનું લક્ષ્ય નાનપણથી જ નક્કી કરીને મહેનત કરવા બાળકોને વાત્સલ્યસભર ભાવે જણાવ્યું હતું. આ પ્રસંગે મિરઝાપર તથા સુખપરની શાળાઓમાં અધ્યક્ષાએ વૃક્ષારોપણ કરીને બાળકોને પર્યાવરણનું જતન કરવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં મિરઝાપર ગામમાં સરપંચ શાન્તાબેન વરસાણી, ગ્રામ આગેવાનોમાં અરવિંદભાઈ પીંડોળીયા, વિનોદભાઇ વરસાણી, દાતા સામુબેન કેરાઇ, જ્યારે સુખપર ગામમાં ખાતે સરપંચ પુનમબેન મેપાણી, ઉપ સરપંચ પુષ્પાબેન ખેતાણી, અન્ય સર્વે અગ્રણીઓમાં ભીમજીભાઇ જોધાણી, મનજીભાઇ ખેતાણી, પ્રેમજીભાઇ ખેતાણી, ધનજીભાઇ ભુવા, દિનેશભાઇ વેકરીયા, કાનજીભાઇ પાધરા, ધનજીભાઇ ગોરસીયા, ગોવિંદભાઇ વાઘજીયાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અધિકારીગણમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.પી. પ્રજાપતિ, તાલુકા શિક્ષણાધિકારી સામંતભાઈ વસરા, બી.આર.સી ભરતભાઇ પટોડીયા, સી.આર.સી કૃપાબેન નાકર, શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા .
