હિન્દ ટીવી – ગુજરાતી, ગીર-સોમનાથ
કેન્દ્રીય મત્સ્યદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોમત્તમભાઈ રૂપાલાએ વેરાવળ ખાતેની મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલની રૂ. ૩.૩૫ કરોડના ખર્ચે નવ નિર્મિત અદ્યતન તરંગ બોયઝ હોસ્ટલનુ લોકાર્પણ કરતાં જણાવ્યું કે, અહીયાની કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભારત સરકારની અને ખાસ કરીને મત્સ્ય વિભાગની યોજનાઓનો લાભ મેળવી ઉદ્યોગ સાહસિક બને તે દિશામાં આગળ વધવા માટે વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું. કામધેનુ યુનિવર્સિટી સલગ્ન આ મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલની હોસ્ટેલની તકતી અનાવરણની સાથે મંત્રીએ હોસ્ટેલની અદ્યતન સુવિધાઓનુ પણ નિરીક્ષણ કર્યું હતું. પ્રવર્તમાન સમયમાં માછીમારોને માછીમારી કરવા માટે દરિયામાં બહુ દૂર જવુ પડે છે. તેના કારણે ઘણી સમસ્યાઓ પણ ઉદભવે છે. જેથી આ સમસ્યાઓ નિવારવા માટે અને દરિયા કિનારા સમીપ જ માછીમારી કરી શકે અને દરિયા કિનારા નજીક માછલીઓનો મોટો જથ્થો ઉપલબ્ધ થઈ શકે તે માટે ભારત સરકાર આગામી સમયમાં કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.
તેમ જણાવતા મંત્રીએ ક્હ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ ફીશરીઝ સેક્ટરમાં વિકાસ રહેલી સંભાવનના ધ્યાનમાં રાખીને એક સ્વતંત્ર વિભાગ શરૂ કર્યો છે. ફિશરીઝ ક્ષેત્ર બે થી ત્રણ ગણા વિકાસની સંભાવનોઓ રહેલી હોવાનુ ઉમેર્યું હતું. કોરોના મહામારી અને રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક પ્રવાહો પલટાયા છે. આ યુદ્ધના કારણે દુનિયાના દેશોમાં એક ડિવિઝન પણ જોવા મળી રહ્યું છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં ભારતની ભૂમિકા મહત્વની રહેવાની સાથે વિકાસ માટે નવી તકો પણ ખુલ્લી છે. તેમ જણાવતા મંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત એક મજબૂત સામરિક શક્તિ તરીકે ઉભરી આવ્યું છે. તેવો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર વિશ્વામાં યોગ અને આયુર્વેદને માન્યતા મળી છે. આજે ભારત સરકારના દરેક વિભાગ દ્વારા ૨૧ જૂન પહેલાં વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી છે. મંત્રી રૂપાલાએ કૂપોષણની સમસ્યા નિવારવા માટે ફીશરીઝ કોલેજના વિદ્યાર્થીઓને નવા પરીપ્રક્ષ્યમાં સંશોધનના આધારે પ્રોટોકોલ તૈયાર કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. ગુજરાતના વિકાસનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે માર્ગ કંડાર્યો છે તે જ પથ ઉપર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની ટીમ ચાલી રહી છે. અને પ્રજાકીય પ્રશ્નોનો તત્પરતા સાથે સમાધામ મેળવી રહી છે. તેમ રૂપાલાએ અંતમાં ઉમેર્યું હતું.

આ કાર્યક્રમમાં રાજ્યના મત્સ્યદ્યોગ મંત્રી જીતુભાઈ ચૌધરી પણ વીડોયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરોગામી દ્રષ્ટિના કારણે દરિયા કિનારાના આ વિસ્તારને ફીશરીઝ કોલેજ મળી છે. જેનાથી વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે અન્ય રાજ્યમાં જવુ પડતું નથી. સાથે રોજગારીના નવા દ્વાર વિદ્યાર્થીઓ માટે ખૂલ્યા હોવાનો ઉલ્લેખ કરતાં વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી. કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ એન.એસ. કેશવાલાએ નવનિર્મિત તરંગ બોયઝ હોસ્ટેલની ડાઈનીંગ હોલ, દિવ્યાંગો માટે સ્પેશ્યલ રૂમ, જીમ સહિતની અદ્યતન સુવિધાઓની વિગતો આપતા આ કોલેજમાં પ્રથમવાર કેબિનેટ કક્ષાના મંત્રી આવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ફીશરીઝ કોલેજના ડીન જે.એસ પટેલે શાબ્દિક સ્વાગત અને મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલના આચાર્ય ડો. એસ.આઈ. યુસુફઝાઈએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે નવ નિર્મિત તરંગ બોયઝ હોસ્ટલના પરિસરમાં મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ એન. કે. ગોંટિયા, મત્સ્યદ્યોગ કમિશનર સતિષ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઈ પરમાર, નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ જોટવા, જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે, પ્રાંત અધિકારી સરયુબા જસરોટિયા, અગ્રણી લખમણભાઈ ભેસલા, વેલજીભાઈ મસાણી, તુલશીભાઈ સહિતના મહાનુભાવો અને મત્સ્ય વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત
રહ્યા હતા.
