Thursday, July 23News That Matters

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં આંગણવાડી તેડાગર બહેનો માટે ૨ દિવસીય રસોઈ તાલીમ યોજાઈ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ઘટક ૧, ૨ અને ૩માં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આશરે ૧૦૦ આંગણવાડી કેન્દ્રોની તેડાગર બહેનો માટે ૨ દિવસીય રસોઈ શો તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમ સી.ડી.પી.ઓ. શ્રીના માર્ગદર્શન હેઠળ બ્લોક ન્યુટ્રિશન મેનેજર તરીકે ઘટક ૧ માં પારગી રોશનીબેન, ઘટક ૨ માં મોરી વિભૂતિબેન અને ઘટક ૩ માં શેખવા એકતાબેન દ્વારા નોડલ તરીકે તાલીમ આપવામાં આવી હતી.

તાલીમ દરમિયાન પોષણ યુક્ત અને સ્વચ્છ ભોજન બનાવવાની પ્રાયોગિક માહિતી આપવામાં આવી હતી. ૩ થી ૬ વર્ષના બાળકો તેમજ પોષણ સુધા યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓ માટે સોમવાર થી શનિવાર સુધીના મેનુ મુજબ સવારના ગરમ નાસ્તા માટે સુખડી, શીરો, પુલાવ અને મુઠીયા જેવી વાનગીઓ બનાવવાની રીત સમજાવવામાં આવી હતી.

ઉપરાંત બપોરના ગરમ ભોજન માટે દાળ-ભાત, મગના થેપલા, ચણા પરાઠા તેમજ શાક સાથે પોષણ સુધા મેનૂમાંથી વિશેષ વાનગીઓ તૈયાર કરવાની તાલીમ આપવામાં આવી. પોષણ સુધા મેનુ મુજબ એક વિશેષ પોષણયુક્ત વાનગી તૈયાર કરવામાં આવી હતી, જેમાં માતૃ શક્તિ પેકેટનો ઉપયોગ કરીને બનતી વાનગીઓ વિશે તેડાગર બહેનોને પ્રાયોગિક રીતે વિગતવાર સમજણ આપવામાં આવી.

કાર્યક્રમ દરમિયાન ખોરાકની સ્વચ્છતા, પોષણનું મહત્વ અને ગુણવત્તાસભર આહાર બનાવવાની પદ્ધતિઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેડાગર બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. શીખેલી રીતોને પોતાના આંગણવાડી કેન્દ્રોમાં અમલમાં મૂકવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ તાલીમ દ્વારા બાળકો તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓને વધુ પોષણયુક્ત આહાર ઉપલબ્ધ થશે. અને આંગણવાડી સેવાઓની ગુણવત્તામાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *