નાના માણસનું મોટું સન્માન
હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ
સમાજમાં મોટા માણસો કે મોટા વ્યક્તિત્વનો જન્મદિવસ યાદગાર રીતે ઉજવવાની સામાન્ય રીતે વ્યાપક પરંપરા છે. જેટલો મોટો માણસ, તેટલી જ યાદગાર ઉજવણી… અને તેની સાથે ભવ્ય ભપકો તો ખરો જ…
પરંતુ સમાજમાં જ્યારે મોટા માણસ દ્વારા સામાન્ય માણસના જન્મદિવસ જેવા એક નાના પ્રસંગને એક નાની અમથી ગિફ્ટ અથવા તો ઉપહારથી સન્માનવામાં આવે ત્યારે તે મોટી વ્યક્તિનો તો ખ્યાલ નથી પરંતુ જેના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે, તેનો ન માત્ર દિવસ પરંતુ જિંદગીભરનું સંભારણું બનીને રહી જાય છે. તે વ્યક્તિ સાથે તેના કુટુંબ અને તેના પરિવારજનોને પણ એક આનંદની અનોખી લાગણી આપી જાય છે, જેનું શબ્દમાં વર્ણન કરવું શક્ય નથી.
આવી જ એક નાની પરંતુ જેની ચોક્કસ નોંધ લેવી ઘટે એવી ઘટના આજે કલેક્ટર કચેરી ખાતે બની હતી. જેમાં કલેક્ટર કચેરી ખાતે છેલ્લા છ વર્ષથી સેવક (પ્યૂન) તરીકે નોકરી કરતાં ગોવિંદભાઈ બામણિયાના જન્મદિવસે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ તેમની જાણ બહાર અચાનક જ ચાલુ મિટિંગમાં બોલાવીને તેમને ચોકલેટ આપીને જન્મદિવસની વધામણી પાઠવી હતી.

ગોવિંદભાઈ ન માત્ર હોદ્દાની દ્રષ્ટિએ પરંતુ ઊંચાઈની દ્રષ્ટિએ પણ નાના છે, કારણકે ગોવિંદભાઈની ઉંચાઈ માત્ર ચાર ફૂટની જ છે. પરંતુ કલેક્ટર દ્વારા આ રીતે અચાનક જ પોતાનું સન્માન થતાં પોતાનું કદ વધી ગયું હોય એવું તેમને લાગ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કલેક્ટર કચેરી ખાતે વહીવટી તંત્રમાં કાર્યરત કર્મચારીઓમાંથી જેનો જન્મદિવસ હોય તેનું નામ લખીને શુભકામના પાઠવવા માટે કલેક્ટર કચેરીના પ્રવેશદ્વાર પાસે જ એક બોર્ડ રાખવામાં આવ્યું છે. જેમાં જે-તે કર્મચારીને તેમના જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવે છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂઆત કરાયેલ આ અભિગમ ખૂબ નાનો છે. પરંતુ જે કર્મચારીનો જન્મદિવસ હોય તેમને જ્યારે તેમના જ સહકર્મીઓ અચાનક જ શુભકામનાઓનો વરસાદ વરસાવે ત્યારે તે વ્યક્તિ માટે તે દિવસ, દિવસ ન રહેતા યાદગાર સંભારણું બની જાય છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા તેઓ જ્યારે કચેરીમાં હોય અને જે કર્મચારીનો જન્મદિવસ હોય તેને અચૂકપણે ચોકલેટ આપીને તેમના જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે. જિલ્લા કલેક્ટર દ્વારા ઉઠાવેલું આ સામાન્ય પગલું તેમના કર્મચારીઓ પ્રત્યેની સંવેદનશીલતાના અને કર્મચારી પણ કોઈ રોબોટ નહીં પરંતુ એક જીવંત વ્યક્તિત્વ છે તેની યાદી કરાવે છે.
ઉલ્લેખનીય છે કે, આજે કલેક્ટર દ્વારા સન્માનિત થયેલા શ્રી ગોવિંદભાઈ સ્વભાવે હસમુખા છે અને તેમના મિલનસાર સ્વભાવના કારણે સમગ્ર તંત્રમાં પ્રિય અને લોકપ્રિય બન્ને છે.
કલેક્ટરએ મારા જેવા સામાન્ય સેવકના જન્મદિવસને પણ યાદ રાખીને મારૂ જે સન્માન કર્યું છે, તે મને આજીવન યાદ રહેશે મારો આજનો જન્મદિવસ આ નાની એવી ફૂલ નહીં પરંતુ ફૂલની પાંખડીરૂપે અપાયેલી ગિફ્ટ જીવનભર યાદગાર બની રહેશે. તેવું તેમના સન્માન બાદ પોતાના હર્ષની લાગણી વ્યકત કરતા ગોવિંદભાઈએ જણાવ્યું હતું.
