Sunday, February 15News That Matters

વડોદરાના વડીલ મહિલાનું સાહસ: ૬૩ ની ઉંમરે આરોગ્ય લાભો માટે કરે છે પ્રાકૃતિક ખેતી

હિન્દ ટીવી – ગુજરાતી, વડોદરા

      સરકારી નોકરી કે અન્ય નોકરીઓમાં દાખલ થવું હોય તો ઉંમર મર્યાદા નડે.પરંતુ સાહસ કરવું હોય તો કોઈ વય મર્યાદા ના નડે.વડોદરાના વડીલ મહિલા દીપ્તિ જાની ૬૩ વર્ષની ઉંમરે આરોગ્ય લાભો માટે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ૬ વર્ષની ગાય આધારિત સાત્વિક ખેતીની સફળતા પછી તેઓ વધુ એક નવું સાહસ કરવાનું વિચારી રહ્યા છે.હવે તેઓ પ્રાકૃતિક ખેતીના ગુણસભર શાકભાજી ઉત્પાદનોની સૂકવણી કરી,તેના પાવડર બનાવીને મૂલ્યવર્ધિત પ્રાકૃતિક ઉત્પાદનોના વેચાણનું નવું સાહસ કરવાનું વિચારી રહ્યા છે.ખરેખર સાહસને ઉંમરની કોઈ સીમા નડતી નથી.

દીપ્તિ શરદ જાની બોટની એટલે કે વનસ્પતિ વિજ્ઞાનના સ્નાતક છે એટલે વનસ્પતિઓ પ્રત્યે પહેલે થી લગાવ હતો.આમ તો તેઓ રોગ મુક્તિની આધ્યાત્મ વિદ્યા રિકી અને વાસ્તુશાસ્ત્ર ના પરામર્શક તરીકે સેવાઓ આપતા હતા.પરંતુ તેમને પ્રાકૃતિક ખેતી કરવાનું મન થયું.એટલે ૨૦૧૮ માં પાદરા તાલુકાના સાધી ગામે ૬ વીઘા જમીનનો ટુકડો ખરીદી ગાય આધારિત ખેતી શરૂ કરી.તેઓ પ્રાકૃતિક ખેતીથી કેરી,જામફળ,ચીકુ, રામફળ,લીંબુ,જાંબુ,આમળા, કમરખ,કાજુ અને બીજોરા જેવા ફળો,ઔષધીય શતાવરી અને ચંદન જેવા ઉત્પાદનો મેળવતા. તેઓ લગભગ આંતરે દિવસે ખેતરની મુલાકાત લે છે અને ખેત સહાયકની મદદથી ખેતરના તમામ છોડવા અને વૃક્ષોની માવજત કરે છે.

તેઓ મૂળ કૃષક પરિવારના છે એટલે ખેતીનું આકર્ષણ હતું જ.એટલે તેમણે આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી.તેઓ કહે છે કે,ત્યાં મને પ્રાકૃતિક ખેતીના ઘટકોની ઊંડી જાણકારી મળી.ખેડૂત પુત્રી તરીકે મને બાગાયતનું આકર્ષણ હતું.અને વિપુલ આરોગ્ય લાભો જોડાયેલા હોવાથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *