Tuesday, February 17News That Matters

ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા.૧૪ જુલાઇનાં રોજ “ચંદ્રયાન -3 મિશન નાં લોન્ચ” નું લાઈવ સ્ટ્રીમિંગ કરાશે

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર 

     ભાવનગર અને આસપાસનાં વિસ્તારના લોકોમાં વિજ્ઞાન પ્રત્યે લાગણી અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે રાજ્ય સરકારનાં વિજ્ઞાન અને પ્રોઘોગિક વિભાગનાં ગુજકોસ્ટ દ્વારા આર.એસ.સી ભાવનગરનું નિર્માણ કરવામાં આવ્યુ છે. જેમાં પાંચ અતિઆઘુનિક વિવિઘ ગેલેરીઓનાં માઘ્યમથી ‘STEM’ પ્રત્યે લોકોમાં જાણકારી અને રૂચી વઘારવા માટે ભાવનગરમાં આર.એસ.સી. ભાવનગર એક સરસ કેન્દ્ર છે.

વિજ્ઞાનનાં પ્રચાર પ્રસાર માટે આર.એસ.સી ભાવનગર સતત કાર્યરત છે. તેની આઉટરીચ પ્રવૃત્તિઓનાં ભાગ રૂપે ભારત દેશ જયારે એક અતિ મહત્વની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યો છે તેને યાદગાર બનાવવા અને ભાવનગરનાં બાળકોને અવકાશ વિજ્ઞાન વિષે માહિતગાર કરવા “ચંદ્રયાન -3 મિશન ના લોન્ચ” નિમિત્તે રિજિયોનલ સાયન્સ સેન્ટર (આર.એસ.સી) ભાવનગર ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રિજિયોનલ સાયન્સ સેન્ટરનાં ઓડિટોરિયમમાં મુલાકાતીઓ તથા વિધ્યાર્થીઓ અને આર.એસ.સી.નાં સ્ટાફ માટે બપોરે ૨:૩૦ કલાકે લાઇવ સ્ટ્રીમિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુલાકાતીઓ તથા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી કાર્યક્રમમાં ભાગ લઇ શકશે. 

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ જાહેરાત કરી હતી કે તેનું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 એ તા.૧૪ જુલાઈનાં રોજ આંધ્રપ્રદેશનાં શ્રીહરિકોટા ખાતેનાં અવકાશ બંદરથી લોન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન-3 લેન્ડરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે ચંદ્ર પર નિર્દિષ્ટ સ્થળ પર હળવાશથી ઉતરી શકે છે અને રોવરને તૈનાત કરી શકે છે. જેનો ઉદ્દેશ્ય ચંદ્રની સપાટીનું સ્થાનાંતરિત રાસાયણિક વિશ્લેષણ કરવાનો છે. આ સાથે થર્મોફિઝિકલ ગુણધર્મો, ચંદ્ર પર ધરતીકંપ, ચંદ્રની સપાટીના પ્લાઝ્મા વાતાવરણ અને ઉતરાણ સ્થળની આસપાસનાં વિસ્તારમાં મૂળ રચનાનો અભ્યાસ કરવાનો છે. 

આ કાર્યક્રમ દરમિયાન સૌપ્રથમ “ચંદ્રયાન -3 મિશન” પર રસપ્રદ માહિતી આપવામાં આવશે. ત્યારબાદ “ચંદ્રયાન -3 મિશન ના લોન્ચ” નું લાઈવ સ્ટ્રીમિંગ દેખાડવામાં આવશે. જેમાં રજિસ્ટ્રેશન કરાવવા 9586100600 – રાજદીપસિંહ ઝાલા નો કોન્ટેક્ટ કરવાનો રહેશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રિજિયોનલ સાયન્સ સેન્ટરનાં પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો.ગિરિશ ગૌસ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *