હિન્દ ટીવી – ગુજરાતી, ભુજ
રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે ૩૦ જૂનના રોજ કચ્છ જિલ્લાના અંજાર ખાતે નિર્માણાધિન વીર બાળ સ્મારકની મુલાકાત લીધી હતી. આ તકે પૂર્વ રાજ્ય મંત્રી અને અંજાર ધારાસભ્ય વાસણભાઈ આહિરે પણ મુખ્ય સચિવની સાથે સ્મારકના નિમાર્ણકાર્યની સમીક્ષા કરી હતી. મુખ્ય સચિવએ સ્મારકના દરેક વિભાગની મુલાકાત લઈને કેટલું કાર્ય પૂર્ણ થયું છે તેના વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે ૨૬, જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ આવેલા વિનાશક ભૂકંપમાં એક રેલી દરમિયાન બાળકો, શિક્ષકો અને અન્ય સ્ટાફ કર્મીઓનું કરુણ મૃત્યુ થયું હતું. આમ, આ સ્મારક કુલ ૧૮૫ બાળકો, શિક્ષકો અને અન્ય સ્ટાફ કર્મચારીઓની સ્મૃતિમાં બનાવવામાં આવ્યું છે. મુખ્ય સચિવએ સ્મારકનું કાર્ય વહેલીતકે પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

બાળકોની સ્મૃતિમાં મોન્યુમેન્ટ બિલ્ડીંગ પણ તૈયાર થઈ રહ્યું છે. આ ઉપરાંત, સિમ્યુલેટરની મદદથી ભૂકંપની અનુભૂતિ થઈ શકે એવો કક્ષ પણ તૈયાર કરવામાં આવ્યો છે. ઓડોટોરિયમ, ગાર્ડન, મ્યૂઝિયમ, કેન્ટીન બિલ્ડીંગ જેવી અત્યાધુનિક સુવિધાઓ સાથે રૂ.૧૫ કરોડના ખર્ચે આ સ્મારક આકાર લઈ રહ્યું છે.
આ તકે જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે, અંજાર પ્રાંત અધિકારી મેહુલ દેસાઈ, નખત્રાણા પ્રાંત અધિકારી મેહુલ બરાસરા, માર્ગ અને મકાન વિભાગ કાર્યપાલક ઇજનેર વી.એન.વાઘેલા, અંજાર મામલતદાર અફઝલ મંડોરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
