Saturday, September 5News That Matters

અમદાવાદથી ભાવનગર વચ્ચે દોડતી તમામ પ્રીમીયમ એસી બસો હવે નવનિર્મિત ‘અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે’ પરથી દોડશે

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર 

      નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરતા અમદાવાદથી ભાવનગર તરફ જતી અને આવતી તમામ પ્રીમીયમ એસી બસો હવે નવનિર્મિત ‘અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે’ ઉપરથી સંચાલિત કરવામાં આવશે. આ ઉપરાંત નવનિર્મિત ‘દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે’ ઉપરથી પણ નવી વોલ્વો સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 

      આ નવીન વ્યવસ્થા હેઠળ, અમદાવાદ તેમજ ભાવનગર તરફથી દૈનિક ધોરણે સવારે ૫:૦૦ કલાકથી સાંજે ૬:૦૦ કલાક સુધી દર કલાકે સંચાલિત થતી કુલ ૨૪ ટ્રીપો, ગાંધીનગરથી દીવ અને ગાંધીનગરથી મહુવા રૂટની તમામ ટ્રીપો પણ આ નવા ધોલેરા એક્સપ્રેસ હાઇવે પરથી દોડશે. આ નિર્ણયના કારણે અમદાવાદથી ભાવનગરનું ભાડું ઘટીને હવે રૂ. ૩૩૬ થશે, જેમાં મુસાફરોને અંદાજે રૂ. ૧૫ જેટલો ભાડા ઘટાડાનો લાભ મળશે.

      આ ઉપરાંત, ભારત સરકાર દ્વારા નવનિર્મિત ‘દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે’ ઉપરથી પણ નવી વોલ્વો સેવાનો પ્રારંભ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે સવારે ૬:૪૫ કલાકે નહેરુનગર (અમદાવાદ) થી સુરત અને બપોરે ૧:૦૦ કલાકે સુરતથી નહેરુનગર (અમદાવાદ) વચ્ચે ‘નોનસ્ટોપ વોલ્વો સર્વિસ’ શરૂ કરવામાં આવી છે. આ નવિન રૂટના કારણે નહેરુનગરથી સુરતનું ભાડું રૂ. ૬૮૭ નિયત કરાયું છે, જેનાથી મુસાફરોને અંદાજે રૂ. ૬૧ જેટલો ફાયદો મળશે. 

        આ તમામ રૂટોનું ઓનલાઇન એડવાન્સ બુકિંગ નિગમની સત્તાવાર વેબસાઇટ www.gsrtc.in તેમજ GSRTC મોબાઇલ એપ્લિકેશન (gsrtcapp) ઉપરથી કરી શકાશે. એસ.ટી. નિગમ દ્વારા તમામ મુસાફર જનતાને આ આધુનિક અને સુવિધાજનક પ્રીમીયમ સર્વિસોનો મહત્તમ લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *